ટૂંક સમયમાં મોદી કેબીનેટનું વિસ્તરણ : ગડકરીની ગાદી જશે ?

ર૦ર૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવી કેબીનેટના વિસ્તરણનો તખ્તો તૈયાર : નાણા,વિદેશ અને સંરક્ષણ મંત્રાલયમાં ફેરફાર નહીં કરાય : ૧૭ નવા ચહેરાઓને સ્થાન મળવાની ચર્ચા

ટૂંક સમયમાં મોદી કેબીનેટનું વિસ્તરણ : ગડકરીની ગાદી જશે ?

(એજન્સી)       નવી દિલ્હી તા.૩:
દિલ્હીના રાજકીય તખ્તા પર ટૂંક સમયમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે. કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળમાં મોટાપાયે વિસ્તરણ અને ફેરબદલને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, વહીવટી કામગીરીને ગતિ આપવા અને આગામી મહત્વની ચૂંટણીઓને સાધવા માટે કેટલાક દિગ્ગજ મંત્રીઓની રજા થઈ શકે છે, જ્યારે યુવા અને નવા ચહેરાઓને દેશની કમાન સંભાળવાની તક મળે તેવી પૂરી શક્યતા છે.
આ સંભવિત ફેરબદલના સૌથી ચોંકાવનારા સમાચાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે જોડાયેલા છે. અહેવાલો મુજબ, ગડકરીના હાલના વિભાગમાં ફેરફાર કરીને તેમને અન્ય કોઈ મહત્વનું મંત્રાલય સોંપાઈ શકે છે. બીજી તરફ, પોતાની શ્રેષ્ઠ કામગીરીથી છાપ છોડનારા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મોટું પ્રમોશન મળવાના સંકેત છે. 
આ ઉપરાંત કેબિનેટમાં ૧૬થી ૧૭ નવા ચહેરાઓને એન્ટ્રી મળી શકે છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે કેટલાક વર્તમાન મંત્રીઓએ પોતાની ખુરશી ગુમાવવી પડશે.
વડાપ્રધાન ગઈકાલે ફરી એક જ જાહેર કાર્યક્રમ સિવાય તેમના દફતરમાંજ વ્યસ્ત રહ્યા છે અને છેલ્લી કેબીનેટ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કરેલા વિધાનો સૂચક બની ગયા છે.
મોદીએ કેબીનેટની બેઠકમાં તેમના મંત્રીઓને એવું કહ્યું કે હવે આગામી મંત્રીમંડળની બેઠકમાં કેટલાક નવા સાથીદારો જોડાશે. આમ મોદીએ સંકેત આપ્યો કે તેઓ મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે.