“બહાઉદ્દીન કૉલેજના ૩૦થી વધુ વિદ્યાર્થીઓએ ‘સાવજ’ દૂધ સંઘની મુલાકાત લઈ સહકારી ક્ષેત્રનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો”
જૂનાગઢ તા.૦૨
વિદ્યાર્થીઓમાં સહકારી ક્ષેત્રની સમજ અને વ્યવહારુ જ્ઞાન વિકસે તે હેતુસર બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજના આચાર્યશ્રી ડૉ. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ તથા ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમના ભાગરૂપે ૧૩ ઓગસ્ટના રોજ વંથલી સોરઠ ખાતે આવેલા ‘સાવજ’ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની અભ્યાસ મુલાકાત યોજાઈ હતી. જેમાં ૩૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ દૂધ ઉત્પાદન તથા તેની સાથે સંકળાયેલી વિવિધ કામગીરી અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી સહકારી ક્ષેત્રનો વાસ્તવિક અનુભવ મેળવ્યો હતો.
‘સાવજ’ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ખાતે અમૂલ પદ્ધતિ મુજબ દૂધ ઉપરાંત દહીં, માખણ, ઘી, લસ્સી સહિતના વિવિધ દૂધજન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ દૂધના સંગ્રહ, પ્રોસેસિંગ તેમજ દૂધમાંથી વિવિધ ઉત્પાદનો તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. આ અભ્યાસ મુલાકાત દરમિયાન દૂધ સંઘના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડી સહયોગ આપવામાં આવ્યો હતો.
આ અભ્યાસ મુલાકાતમાં કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. દિનાબેન એચ. લોઢીયા, અધ્યાપક ડૉ. કપિલ પી. ઘોસિયા, આશ્લેષભાઈ ત્રિવેદી તથા ડૉ. અશ્વિનભાઈ વિંઝુડા ઉપસ્થિત રહ્યા હતા.


