ગિરનાર દરવાજા પાસેના સર્કલ ઉપર મુકેલી નરસિંહ મહેતાની પ્રતિમા ખંડીત : ભાવિકોની લાગણી દુભાઈ
જૂનાગઢ તા.૧
જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા પાસેની સર્કલ ઉપર મુકેલી નરસિંહ મહેતાની પ્રતિમા ખંડીત થવાનો બનાવ બનવા પામતા ભાવિકોની લાગણી દુભાઈ છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરની ઓળખ આદ્યકવિ નરસિંહ મહેતાના નામથી થાય છે. અને નરસિંહ મહેતાજીના અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ બાવન વખત ભગવાન પધાર્યા હતા તેવી આ પાવનકારી ભૂમિ ઉપર નરસિંહ મહેતાની યાદગીરી અને સમૃધ્ધિ જળવાય તે માટે ગિરનાર દરવાજા ખાતેના સર્કલ વચ્ચે ૧૯૮૩માં પ્રતિમા મુકવામાં આવી હતી. નરસિંહ મહેતા રોજ દામોદરકુંડ ખાતે સ્નાન કરવા જતા જેથી દામોદરકુંડ જતી વખતે રસ્તામાં ગિરનાર દરવાજે તેમની સ્મૃતિ રહે તે હેતુથી આ પ્રતિમા મુકવામાં આવી હતી તેમ નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટના વિજયભાઈ કિકાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટના દેવેનભાઈ વિજયજી દ્વારા શહેરમાં સૌપ્રથમ નરસિંહ મહેતાજીની પ્રતિમા મુકાઈ હતી. દરમ્યાન ગઈકાલે કોઈએ આ પ્રતિમામાં પથ્થર ફેંકીને તોડફોડ કરી છે અને નરસિંહ મહેતાનો એક હાથ તોડી નાખવામાં આવ્યો છે જે અંગે ટ્રસ્ટ દ્વારા પોલીસમાં અરજી કરી આવું કૃત્ય કરનાર સામે પગલા લેવા માંગ કરવામાં આવી છે. દરમ્યાન મહાનગરપાલીકા દ્વારા નરસિંહ મહેતાજીની પ્રતિમા મુકાયેલ છે તે સર્કલને ફરતે લાઈટીંગ ગોઠવે તેમજ પ્રતિમાની સુરક્ષા માટે પગલા લે તેવી માંગણી અને અપેક્ષા રાખવામાં આવી રહી છે.


