વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 'GYAN' અભિગમ :  અન્નદાતા કેન્દ્ર સ્થાને

PM કિસાન સન્માન નિધિ યોજના: જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના ખાતામાં અંદાજે રૂ. 600 કરોડથી વધુની સહાય જમા : સરેરાશ 1.47 લાખ ખેડૂતોને લાભ મળ્યો : જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 'GYAN' અભિગમ :  અન્નદાતા કેન્દ્ર સ્થાને

જૂનાગઢ તા.9
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ઉત્કર્ષ માટે 'GYAN' આગવી વિભાવના આપી છે. આ 'GYAN' એટલે નોલેજ નહીં પણ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. આમ, વડાપ્રધાનશ્રીએ અન્નદાતા ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે અને તેમના ઉત્કર્ષ માટેની અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે. તેવી જ એક મહત્વપૂર્ણ યોજના એટલે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના', જેના મારફત રોકડ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે શરૂ કરેલી મહત્વપૂર્ણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વિગતે વાત કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટ જણાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2019માં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ હતી. 100 ટકા કેન્દ્ર સહાયિત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 22 જેટલા હપ્તાનું ચુકવણું કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં સરેરાશ આશરે 1.47 લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં અંદાજે રૂ. 600 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. છેલ્લા 22મા હપ્તાની ચુકવણી પણ માર્ચ-2026માં કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના 1.42 લાખ ખેડૂતોના બેંક ખાતામાં સહાય પેટે રૂ. 29.63 કરોડ જમા કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોની આવક વધે તે માટે અને ખાસ કરીને ખેડૂતોને ખેતીકાર્યના નાના-મોટા ખર્ચને પહોંચી વળવા માટે આ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષમાં પાકની ત્રણેય સિઝનને ધ્યાને રાખીને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. આમ, વાર્ષિક ત્રણ હપ્તામાં કુલ રૂ. 6000ની સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે, જેના અવિરતપણે 22 જેટલા હપ્તાની ચુકવણી થઈ ચૂકી છે.
તેઓ ઉમેરે છે કે, ખેડૂતોની આવકમાં વધારો કરવા અને તેમને મદદરૂપ થવા માટે જિલ્લામાં મગફળી, સોયાબીન વગેરે પાકોની ટેકાના ભાવે રાજ્ય સરકારની સહાયથી કેન્દ્ર સરકારે રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. જિલ્લામાં 1 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. ઉપરાંત 'નેશનલ ઓઇલ સીડ મિશન' અંતર્ગત મગફળી, તલ વગેરે તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધે તે માટે બિયારણથી માંડીને તાલીમ સહિતની તમામ સહાય પૂરી પાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વનાં 12 વર્ષની જનસેવાના કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા પ્રજાલક્ષી કાર્યો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

-આલેખન : રોહિત ઉસદડ