યાસીન બોનૂ સાથે ડેટિંગની અફવાઓ પર નોરા ફતેહીએ તોડ્યું મૌન, કહ્યું- ‘અમે માત્ર સારા મિત્રો છીએ’
મોરોક્કન ફૂટબોલર બોનૂના વખાણ કરતા નોરાએ કહ્યું- ‘તે ખૂબ જ નમ્ર અને સારો વ્યક્તિ છે, મને તેની સિદ્ધિઓ પર ગર્વ છે’
મુંબઈ, તા. 8
અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી છેલ્લા કેટલાક સમયથી મોરોક્કન ફૂટબોલર યાસીન બોનૂ સાથેના કથિત સંબંધોને લઈને ચર્ચામાં હતી. હવે નોરાએ આ અફવાઓ પર સ્પષ્ટતા કરતાં બંને વચ્ચે માત્ર સારી મિત્રતા હોવાનું જણાવ્યું છે.
‘ધ ક્રિસ ફેડ શો’ દરમિયાન નોરાને યાસીન બોનૂ સાથેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં નોરાએ તેને પોતાનો સારો મિત્ર ગણાવ્યો અને કહ્યું કે યાસીન એક અદ્ભુત વ્યક્તિ તેમજ વિશ્વના શ્રેષ્ઠ ગોલકીપર્સમાંનો એક છે. તેણે યાસીનની સફળતા પર ગર્વ હોવાની વાત પણ કરી હતી.
નોરાએ જણાવ્યું કે તે યાસીનને લાંબા સમયથી ઓળખે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં બંનેની મિત્રતા વધુ ગાઢ બની છે. તેના સ્વભાવ વિશે વાત કરતાં નોરાએ કહ્યું કે યાસીન ખૂબ જ નમ્ર અને દયાળુ વ્યક્તિ છે અને સોશિયલ મીડિયાની દુનિયાથી ખાસ પ્રભાવિત થતો નથી.
નોરાના જણાવ્યા મુજબ યાસીનનું સંપૂર્ણ ધ્યાન ફૂટબોલ, પોતાની રમત, મહેનત અને ટ્રેનિંગ પર રહે છે. શોના હોસ્ટે નોરાને મજાકમાં કહ્યું કે યાસીન વિશે વાત કરતી વખતે તે શરમાતી હોય તેવું લાગી રહ્યું હતું. જોકે, નોરાએ ફરી સ્પષ્ટ કર્યું કે બંને ખૂબ સારા મિત્રો છે.
યાસીન બોનૂને ફૂટબોલ જગતમાં ‘બોનો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મોરોક્કોના જાણીતા ગોલકીપર છે અને હાલમાં સાઉદી પ્રો લીગની ક્લબ અલ હિલાલ તેમજ મોરોક્કોની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી તાજેતરમાં ‘સ્લે ટુ ધ રિધમ’ ગીતમાં જોવા મળી હતી. હવે તે આગામી ફિલ્મ ‘કાંચના 4’ દ્વારા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.


