ભિડેના પાત્ર પાછળનું રસપ્રદ રહસ્ય, મંદાર ચાંદવડકરે ખોલ્યા અનેક રાજ

ભિડે સાથે પોતાની એક જ સામ્યતા હોવાનું જણાવ્યું, શિસ્તબદ્ધ સ્વભાવ અંગે કર્યો ખુલાસો; ગોકુલધામ સોસાયટીમાં સાસુનું પાત્ર કેમ નથી તે પણ સમજાવ્યું

ભિડેના પાત્ર પાછળનું રસપ્રદ રહસ્ય, મંદાર ચાંદવડકરે ખોલ્યા અનેક રાજ

મુંબઈ તા.5
ટેલિવિઝનના લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 18 વર્ષ પૂર્ણ કરવાની સાથે 4,800થી વધુ એપિસોડનો આંકડો પાર કર્યો છે. શોની શરૂઆતથી જ તેની સાથે જોડાયેલા અભિનેતા મંદાર ચાંદવડકર આજે પણ આત્મારામ તુકારામ ભિડેના પાત્ર દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાના પાત્ર, શો સાથેની સફર અને પડદા પાછળના અનુભવો અંગે રસપ્રદ વાતો જણાવી હતી.
મંદાર ચાંદવડકરે જણાવ્યું કે ભિડેના પાત્ર માટે તેમણે શરૂઆતમાં કોઈ ખાસ તૈયારી કરી નહોતી. લેખક તારક મહેતાની રચનાઓ વાંચીને અને શોના નિર્માતા અસિત મોદી પાસેથી પાત્રની સમજ મેળવીને તેઓ ધીમે ધીમે આ પાત્રમાં ઢળતા ગયા હતા. શરૂઆતમાં મૂળ પાત્રના સર્જક તારક મહેતાને પણ તેમનું ભિડેનું પાત્ર ખાસ ગમ્યું નહોતું, પરંતુ લગભગ દોઢ વર્ષ બાદ તેમને મંદારનું કામ પસંદ આવવા લાગ્યું હતું. અભિનેતાએ આ વાતને પોતાની મોટી સિદ્ધિ ગણાવી હતી.
વાસ્તવિક જીવનમાં ભિડે અને પોતાના સ્વભાવ વચ્ચેની સામ્યતા અંગે વાત કરતાં મંદારે કહ્યું હતું કે, ભિડેની જેમ તેઓ પણ શિસ્તબદ્ધ જીવન જીવવામાં માને છે. જોકે, પૈસા ખર્ચતાં પહેલાં ભિડે જેટલો વિચાર કરે છે એટલો વિચાર તેઓ કરતા નથી. શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી સાથેના સંબંધો અંગે તેમણે જણાવ્યું કે બંને વચ્ચે ખૂબ સારો તાલમેલ છે. તેઓ એક જ રૂમમાં રહે છે અને સાથે જમવાનું પણ પસંદ કરે છે. દિલીપ જોશી પોતાના પાત્રનું નિરીક્ષણ અને અભ્યાસ કેવી રીતે કરે છે તે નજીકથી જોવાનો અને તેમની પાસેથી શીખવાનો મોકો પણ મળ્યો છે.
ગોકુલધામ સોસાયટીમાં એક પણ સાસુનું પાત્ર કેમ જોવા મળતું નથી તેવા સવાલના જવાબમાં મંદારે જણાવ્યું કે ટેલિવિઝનની અનેક સિરિયલોમાં સાસુ-વહુની વાર્તાઓ વારંવાર રજૂ થતી હોય છે. તેથી આ શોમાં આવી વાર્તાનો અભાવ દર્શકોને ખટકતો નથી. જોકે, જેઠાલાલની સાસુનો ઉલ્લેખ શોમાં વારંવાર કરવામાં આવે છે, પરંતુ તેમનું પાત્ર આજ સુધી પડદા પર જોવા મળ્યું નથી.
અંતમાં પોપટલાલ કે ટપુમાંથી કોના લગ્ન પહેલાં થશે તેવા સવાલનો જવાબ આપતાં મંદારે રમૂજી અંદાજમાં કહ્યું કે ભિડેને ટપુના લગ્નની નહીં, પરંતુ પોતાની દીકરી સોનુના લગ્નની વધુ ચિંતા છે. આ રીતે મંદાર ચાંદવડકરે પોતાના લોકપ્રિય પાત્ર ભિડે અને શો સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓ શેર કર્યા હતા.