યશના રાવણે જીત્યાં દર્શકોનાં દિલ, ‘રામાયણ’નો વિશ્વભરમાં જયજયકાર
રણબીર કપૂર અને સાઈ પલ્લવીના અભિનયનાં પણ વખાણ; ભવ્ય વિઝ્યુઅલ્સ, એક્શન અને યશની દમદાર એન્ટ્રીએ દર્શકોને પ્રભાવિત કર્યા
મુંબઈ તા.5
લાંબા સમયથી દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ પૌરાણિક ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. રિલીઝ બાદ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. પ્રારંભિક પ્રતિસાદમાં ફિલ્મના ભવ્ય દૃશ્યો, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, એક્શન અને કલાકારોના અભિનયની પ્રશંસા થઈ રહી છે.
ફિલ્મના પ્રથમ ભાગમાં ખાસ કરીને યશના રાવણના પાત્રે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. યશની પડદા પરની દમદાર એન્ટ્રી અને તેમના શક્તિશાળી વ્યક્તિત્વને ફિલ્મના મુખ્ય આકર્ષણોમાં ગણાવવામાં આવી રહ્યા છે. અનેક દર્શકોએ તેમના અભિનયને પ્રભાવશાળી ગણાવ્યો છે. ફિલ્મનાં કેટલાંક દૃશ્યો દરમિયાન થિયેટરોમાં દર્શકો તાળીઓ પાડતા અને ‘જય શ્રીરામ’ના નારા લગાવતા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રારંભિક પ્રતિક્રિયાઓમાં ફિલ્મને ભવ્ય સિનેમેટિક અનુભવ તરીકે વર્ણવવામાં આવી રહી છે.
વિદેશી મીડિયા તરફથી પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હોવાના અહેવાલો છે. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ ફિલ્મને પાંચમાંથી ચાર સ્ટાર આપ્યા હોવાનું જણાવાયું છે. ફિલ્મની ભવ્યતાની સરખામણી ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ અને ‘ધ લાયન કિંગ’ જેવી ફિલ્મો સાથે પણ કરવામાં આવી રહી છે. ફિલ્મના ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહેલી અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે ‘રામાયણ’ને ભારતીય સિનેમા માટે મહત્વપૂર્ણ ફિલ્મ ગણાવી હતી. તેમણે રણબીર કપૂર, રવિ દુબે, સાઈ પલ્લવી અને રકુલ પ્રીત સિંહના અભિનયની પ્રશંસા કરી હતી. તેમના મતે, રણબીરનું શ્રીરામ તરીકેનું પાત્ર દિવ્ય, યશનું રાવણ સ્વરૂપ ભવ્ય અને શક્તિશાળી, જ્યારે રવિ દુબેનું લક્ષ્મણનું પાત્ર આકર્ષક અને હળવા હાસ્યથી ભરપૂર છે. સાઈ પલ્લવીની રજૂઆતમાં ગૌરવ અને પવિત્રતાની ઝલક જોવા મળતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કન્ટેન્ટ ક્રિએટર અને અભિનેતા આશિષ ચંચલાનીએ પણ ફિલ્મને ભવ્ય સ્તરની બ્લોકબસ્ટર ગણાવીને વખાણ કર્યા હતા. તેમણે નિતેશ તિવારીના દિગ્દર્શન, કલાકારોની પસંદગી અને નિર્માતા નમિત મલ્હોત્રાના વિઝ્યુઅલ પ્રયાસોને બિરદાવ્યા હતા. આશિષના જણાવ્યા અનુસાર, જટાયુ અને રાવણ વચ્ચેના યુદ્ધનું દૃશ્ય તેમને ભાવુક કરી ગયું હતું. બીજી તરફ, ફિલ્મના બોક્સ ઓફિસ પ્રદર્શન પર પણ ફિલ્મજગતની નજર છે. અહેવાલો અનુસાર, આશરે રૂ. 4,000 કરોડના વિશાળ બજેટમાં બનેલી આ ફિલ્મ પ્રથમ દિવસે જ મોટી કમાણી કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, ફિલ્મની વાસ્તવિક સફળતાનો અંદાજ તેના આગામી બોક્સ ઓફિસ આંકડાઓ પરથી મળશે.


