પરાજયને પગલે ટ્રમ્પ છંછેડાયા : ભારતીય દંપતિ તથા ૯ કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો

પરાજયને પગલે ટ્રમ્પ છંછેડાયા : ભારતીય દંપતિ તથા ૯ કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો

(એજન્સી)       વોશિંગ્ટન તા.૦૫
મીડટર્મ ચૂંટણીમાં કારમા પરાજયથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નબળા પડવાના બદલે વધુ છંછેડાયા હોય તેમ ભારતીય કંપનીઓ પર શિકંજો કસ્યો છે અને ભારતીય દંપતી તથા ૯ કંપનીઓ પર પ્રતિબંધ ઝીંકયો છે.
ઈરાનના તેલ કારોબાર પર પ્રતિબંધ હોવા છતાં સમુદ્રી નેટવર્ક મારફત ક્રુડ કારોબારમાં ઈરાનને મદદ કરવાના આરોપ હેઠળ અમેરિકી નાણાં વિભાગે આ પ્રતિબંધો લાગુ કર્યા છે. ભારત ઉપરાંત તૂર્કીની કંપની સામે પણ સમાન એકશન લેવામાં આવ્યા છે. ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ હેઠળ આ કદમ ઉઠાવવામાં આવ્યા છે.
આ ઓપરેશન હેઠળ ઈરાનને પ્રતિબંધોમાંથી છટકવામાં મદદ કરનારા સામે શિકંજો કસવામાં આવે છે. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેંટે કહ્યું કે જે લોકો ઈરાનને મદદ કરશે તેમના પર અમેરીકા પ્રતિબંધ મુકવા સહીતની કાર્યવાહી કરશે.
ભારતીય વ્વસાયિક દંપતિ સુનિલકુમાર શર્મા તથા તેમના પત્નિ જસપ્રિત પ્રીતી પર અપરાધીક નેટવર્ક ચલાવવાનો આરોપ મુકાયો છે. ઈરાની ક્રુડના પરિવહન માટે જહાજ પર બનાવટી ધ્વજ અને સર્ટીફીકેટ આપવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય ભારતીય નાગરીક અશ્વિનીકુમાર ધીમાન તથા ઈશ્વરવિંદરસિંહનું નામ પણ લીસ્ટમાં સામેલ કરાયા છે. જેઓ સુનિલ શર્માની કંપનીનાં ડાયરેકટર છે.