ગીરનાર પરીક્રમાનાં ૩૬ કિમીનાં રૂટની સંતો, મહંતો, અધિકારી દ્વારા નિરીક્ષણ : વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
જૂનાગઢ, તા.પ
જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારજી મહારાજની લીલી પરીક્રમા અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે પરીક્રમાની તૈયારીના ભાગરૂપે આજે વહેલી સવારે ઈટવાઘોડીથી પરીક્રમા રૂટના નિરીક્ષણ અને આયોજન માટે જૂનાગઢ જીલ્લા કલેકટર યોગેશ ચૌધરી, જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તેમજ જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, મનપાના કમિશ્નર આઈ.આર. વાળા તેમજ મનપાનાં પદાધિકારીઓ વન વિભાગના અધિકારીઓ તેમજ સંતો, મહંતો, સેવાભાવીઓ, ઉતારા મંડળના પ્રતિનિધીઓને સાથે રાખી ૩૬ કિ.મી.ના પરીક્રમા માર્ગનુંં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને જરૂરી પગલા ભરવા તેમજ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે અસરકારક કામગીરી માટેનો પ્લાન ઘડી કાઢવામાં આવશે તેમ જાણવા મળે છે. ગીરનારની ૩૬ કિ.મી.ની પરીક્રમા દર વર્ષે ઉત્સાહભેર યોજવામાં આવે છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પરીક્રમામાં ઉમટી પડે છેે. વહીવટી તંત્ર તેમજ અન્ય વિભાગો સાથે મળી અને વિવિધ કામગીરી સંપન્ન કરી પરીક્રમાર્થીઓની સુવિધા માટે અનેક પગલાઓ લે છે.
ગત વર્ષે ભારે વરસાદને કારણે પરીક્રમા યોજી શકયા નહોતા અને પરીક્રમા રદ થઈ હતી જેના લઈને આ વર્ષે પરીક્રમાર્થીઓની સંખ્યામાં પણ ભારે વધારો થશે તેમજ આ વર્ષે અપુરતા વરસાદની સ્થિતિએ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાશે તેવી ભીતી છે. દરમ્યાન આગામી તા.ર૦ નવેમ્બરથી તા.ર૪ નવેમ્બર દરમ્યાન ગીરનાર પરીક્રમા શરૂ થનાર છે. પરીક્રમાની તૈયારીના ભાગરૂપે આજે પરીક્રમા રૂટનું સંતો અને વહીવટી તંત્રના પદાધિકારીઓએ નીરીક્ષણ કર્યું હતું તેમજ રસ્તા, પાણી, લાઈટ સહીતના અનેક વિધ પગલાઓ અંગે વિચાર વિમર્શ અને કામગીરી હાથ ધરી પરીક્રમાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટેના પગલારૂપી માષ્ટર પ્લાન ઘડી કાઢી સુચારૂ કામગીરી હાથ ધરવામાં આવશે તેવા નિર્દેશો મળે છે.


