જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી દુર્ઘટના કેસમાં વિવેક કાથડીયાનાં રીમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયો

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી દુર્ઘટના કેસમાં વિવેક કાથડીયાનાં રીમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧ર
જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ખાતે બનેલ દુર્ઘટના કેસમાં મનપાનાં ઈજનેર કાથડીયાની પોલીસે ધરપકડ કરી એક દિવસના રીમાન્ડ પુરા થતા જેલમાં ધકેલી દેવામાં આવેલ છે. ગત તા. 7 મેના રોજ ઝાંઝરડા ચોકડીએ ટ્રાફીક પોલીસ ચોકીની પાછળ વરસાદી પાણીના નિકાલ માટેના પાઈપ નાખવા મનપાનું જેસીબીનું બકેટ ચાલકે ટોરેન્ટ ગેસની લાઈનમાં મારી દેતા લાઈન તુટી જવાની સાથે ગેસ લીકેજ થવાથી આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ફાસ્ટ ફુડની દુકાન ધરાવતા શૈલેષભાઈ ગાંગાભાઈ સોલંકી દાઝી ગયા હતા. જયારે તેના પત્ની રૂપાબેન, અઢી વર્ષની દિકરી ભકિત અને નાસ્તો કરવા આવેલા હરેશભાઈ રાષબડીયાનું દાઝી જવાથી મૃત્યું નિપજયું હતું. આ ઘટનાથી 6 દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી અને ૮ બાઈક બળી ગયા હતાં. પોલીસે GJ-11-GA 1263 નંબરનાં જેસીબીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઘટનાની તપાસ દરમ્યાન મનપા બાંધકામ ઈજનેર જયેન્દ્રસિંહ ભગવાનભાઈ ઝાલા અને વોર્ડ ઈજનેર વિવેક કાથડીયાની બેદરકારી સામે આવતા બંને સામે કાર્યવાહી કરી હતી.
આ કેસમાં પોલીસે જયેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી જેલમાં મોકલી આપેલ હતો. જયારે ફરાર વિવેક કાથડીયાએ ધરપકડ ટાળવા સેન્સસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. સેન્સસ કોર્ટે અરજી ફગાવી દેતાં વિવેક કાથડીયાએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતાં. પરંતુ જજમેન્ટ આવે તે પહેલા ડીવાયએસપી હિતેશ ધાધલીયાના માર્ગદર્શનમાં બી ડીવીઝન પીઆઈ એ.બી. ગોહીલે ગત તા. 27 ઓકટોબરે મુળ સુત્રાપાડા તાલુકાનાં બાવાની વાવ ગામનો હાલ શહેરમાં વાડલા ફાટક પાસે રહેતો વિવેક બળવંતસિંહ કાથડીયાની ધરપકડ કરી 1 દિવસના રીમાન્ડ મેળવ્યા હતાં. ગઈકાલે રીમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલી દેવામાં આવેલ છે.