જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર રસ્તા પર કરેલ દબાણ દૂર કરવા માંગ
હેઠાણ ફળીયા, નાગર રોડ વગેરે વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા મનપાનાં કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી
જૂનાગઢ તા. ર૦
જૂનાગઢ શહેરનાં નાગર રોડ, હેઠણ ફળીયા તેમજ સ્વામિમંદિર પાછળનાં ભાગમાં રહેતા રહેવાસીઓએ કમિશ્નરને એક આવેદનપત્ર પાઠવી અને શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર રસ્તા પર આડસ કરી, દબાણ કરી, હેરાન પરેશાન કરતા હોય જે અંગે રજુઆત કરી અને તાત્કાલીક જાહેર રસ્તો ખુલ્લો કરાવવાની માંગણી કરી છે.
આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢનાં નાગર રોડ, હેઠાણ ફળીયા, સ્વામિમંદિર પાછળનાં ભાગે રહેતા વસાહતીઓ ચિંતન જસાણી, હિરેન ઘેલાણી, મયંકભાઈ કિકાણી, ધર્મેશ સોલંકી વગેરેએ જૂનાગઢનાં શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ સામે ફરીયાદ કરતું એક આવેદનપત્ર કમિશ્નરને આપેલ છે. આ આવેદનપત્રમાં જણાવેલ છે કે, તેઓ અને તેમનો પરીવાર પેઢી દર પેઢીથી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રહે છે. નાગર રોડ ઉપર હેઠાણ ફળીયામાં સ્વામિનારાયણ મંદિરનાં પાછળનાં ભાગમાં અમો રહીએ છીએ અને અમારો વિસ્તાર શાંતિપ્રિય છે. દરમ્યાન સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ ટ્રસ્ટ તરફથી આ વિસ્તાર તરફ આવેલ તેમની મિલ્કતમાં ભાંગતોડ કરી અને નવું બાંધકામ કરી રહયા છે અને ભાંગતોડ કરવા માટે અમારા જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરી આડસ કરી પતરા ફીટ કરી દીધેલ છે. આ જાહેર રસ્તો મહાનગરપાલિકા જૂનાગઢની માલિકીનો છે. ૧૬ થી ૧૭ ફૂટનો આ રસ્તો આવેલો છે પરંતુ પતરાની દિવાલ ઉભી કરતા રસ્તો ૮ ફૂટનો કરી નાખેલ છે. આ બાબતે ટ્રસ્ટનાં કોઠારી સ્વામીનો સંપર્ક કરતા અને અમોને જે મુશ્કેલી પડે છે તે બાબતે રજુઆત કરતા તેઓએ જણાવેલ કે, આ રસ્તો આજ રીતે રહેશે અને જાે કોઈ વાંધો વિરોધ કરશો તો રસ્તો ૬ ફૂટનો થઈ જશે તેવું પણ જણાવેલ. ઉપરોકત બબતે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરી અમારા અવર-જવર માટેનાં આ રસ્તાને ખુલ્લો કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી આવેદનપત્રમાં વ્યકત કરવામાં આવી છે. તેમજ રાજયનાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ સંબંધિત વિભાગને પણ તેની નકલ મોકલી આપવામાં આવી છે તેમ અંતમાં જણાવેલ છે


