જૂનાગઢનાં દાતાર રોડ પર સ્વામી વિવેકાનંદજીની બે પ્રતિમા હોવા છતાં ત્રીજી પ્રતિમા મુકવાનો કોર્પોરેશનનો તઘલખી નિર્ણય
જૂનાગઢ તા. ૩
જૂનાગઢનું કોર્પોરેશન તંત્ર ગમે ત્યારે ગમે તેવા નિર્ણયો લેવા માટે વગોવાયેલું છે. દરમ્યાન દાતાર રોડ પર વિવેકાનંદજીની બે પ્રતિમા હોવા છતાં ત્રીજી પ્રતિમા મુકવાનાં નિર્ણય કરવામાં આવતાં લોકોમાં અનેક ચર્ચા ઉઠવા પામી છે.
જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમીટીની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં રૂા. ૧.૦પ કરોડનાં વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યા છે. ઉપરાંત શિવરાત્રી મેળામાં લઘુકુંભનાં સફળ આયોજન બદલ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગઈકાલની આ બેઠકમાં દાતાર રોડ પર વિવેકાનંદજીની પ્રતિમા મુકવાનો ઠરાવ કરવામાં આવેલ છે તેને લઈને ભારે ચર્ચા ઉઠવા પામી છે. આડેધડ કામો અને નિર્ણય કરવામાં ગવાયેલું કોર્પોરેશન તંત્રનાં આ નિર્ણયને લઈને તેની પાસે શહેરની ભૌગોલિક સ્થિતિનું અપુરતુ જ્ઞાન હોય તેવી સ્પષ્ટ બાબત બહાર આવેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરનાં દાતાર રોડ ઉપર સ્વામી વિવેકાનંદજીની બે સ્થળો પર એટલે કે સામસામી બે પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાની યોગ્ય જાળવણી થતી નથી કે સાફસફાઈનું કાર્ય પણ થતું નથી. અને તેવા સંજાેગોમાં ગઈકાલે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં દાતાર રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે વિવેકાનંદજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાનાં આ નિર્ણય સામે અનેક અટકળો અને ચર્ચાઓ ઉઠવા પામી છે.


