કાર્તિક આર્યનની ‘કેપ્ટન ઇન્ડિયા’માં પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી, 17 વર્ષ બાદ શિમિત અમીનનું કમબેક
‘કરીબ કરીબ સિંગલ’થી હિન્દી દર્શકોમાં જાણીતી બનેલી પાર્વતી સાથે મનીષ ચૌધરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે
મુંબઈ, તા.૧૮
કાર્તિક આર્યનની આગામી એક્શન ડ્રામા ફિલ્મ ‘કેપ્ટન ઇન્ડિયા’ને લઈને નવી માહિતી સામે આવી છે. ફિલ્મમાં સાઉથની જાણીતી અભિનેત્રી પાર્વતી થિરૂવોથુની એન્ટ્રી થઈ છે. પાર્વતી હિન્દી દર્શકોમાં ‘કરીબ કરીબ સિંગલ’ ફિલ્મના કારણે ખાસ ઓળખ ધરાવે છે. આ ઉપરાંત અભિનેતા મનીષ ચૌધરી પણ ફિલ્મનો મહત્વનો હિસ્સો બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
હરમન બાવેજા દ્વારા લખાયેલી અને નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન શિમિત અમીન કરી રહ્યા છે. શિમિત અમીન હિન્દી સિનેમામાં પોતાની અલગ પ્રકારની ફિલ્મો માટે જાણીતા છે. તેમણે ‘અબ તક છપ્પન’ અને ‘ચક દે ઇન્ડિયા’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.
‘કેપ્ટન ઇન્ડિયા’ શિમિત અમીન માટે પણ ખાસ પ્રોજેક્ટ છે, કારણ કે તેઓ લગભગ 17 વર્ષના લાંબા અંતર બાદ દિગ્દર્શન ક્ષેત્રે પરત ફરી રહ્યા છે. તેમની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ ‘રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર’ હતી, જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. 2009માં આવેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની સફળતા મળી નહોતી.
હવે લાંબા સમય બાદ શિમિત અમીન ફરી એક મોટા પ્રોજેક્ટ સાથે વાપસી કરી રહ્યા છે. કાર્તિક આર્યન અભિનિત ‘કેપ્ટન ઇન્ડિયા’ એક્શન અને ડ્રામા પર આધારિત ફિલ્મ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે કાર્તિકના ચાહકોમાં પણ ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.
પાર્વતી થિરૂવોથુની વાત કરીએ તો તેઓ મુખ્યત્વે સાઉથ સિનેમામાં પોતાના અભિનય માટે જાણીતી છે, પરંતુ પસંદગીની હિન્દી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. ‘કરીબ કરીબ સિંગલ’માં ઈરફાન ખાન સાથે જોવા મળ્યા બાદ તેઓ હિન્દી દર્શકોમાં જાણીતા બન્યા હતા. તાજેતરમાં પણ તેઓ કેટલીક હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા છે.
હવે પાર્વતી અને કાર્તિક આર્યન પ્રથમ વખત એક સાથે પડદા પર કેવો પ્રભાવ પાડે છે તે જોવાનું રસપ્રદ રહેશે. ફિલ્મમાં મનીષ ચૌધરીની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું સામે આવ્યું છે. શિમિત અમીનના લાંબા સમય બાદના કમબેક અને મજબૂત કલાકારોની પસંદગીને કારણે ‘કેપ્ટન ઇન્ડિયા’ પર ફિલ્મપ્રેમીઓની નજર રહેશે.


