ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ક્લાસ-૨ અધિકારીનું સારવાર દરમ્યાન મોત
અગમ્ય કારણોસર એસિડ પીધા બાદ રાજકોટ ખસેડાયા હતા; ‘ભૂલથી એસિડ પી ગયા’નું નિવેદન, PM રિપોર્ટ બાદ ખુલશે મોતનું રહસ્ય
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૭
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના DRDA વિભાગમાં મદદનીશ પ્રયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા ક્લાસ-૨ અધિકારી સુનિલ ચૌધરીનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થતાં સરકારી તંત્રમાં ચકચાર મચી જવા પામી છે. અધિકારીએ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે, મામલતદાર સમક્ષ નોંધાયેલા નિવેદનમાં તેઓએ ભૂલથી એસિડ પી ગયા હોવાનું જણાવ્યાની માહિતી મળતાં સમગ્ર ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
મળતી માહિતી મુજબ, સુનિલ ચૌધરીની અંદાજે બે માસ પૂર્વે અબડાસા તાલુકામાંથી ગીર સોમનાથ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. તેઓ ગીર સોમનાથ જિલ્લા પંચાયત કચેરીના DRDA વિભાગમાં મદદનીશ પ્રયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વેરાવળ શહેરના ડાભોર રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ગત તા. ૪ સપ્ટેમ્બરની રાત્રિના સમયે તેમના નિવાસસ્થાને એસિડ પીવાની ઘટના બની હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. એસિડ પીધા બાદ તેમની તબિયત ગંભીર બનતાં તાત્કાલિક સારવાર માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, સારવાર દરમ્યાન મામલતદાર સમક્ષ તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. જેમાં તેમણે ભૂલથી એસિડ પી ગયા હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે, એક સરકારી અધિકારી દ્વારા એસિડ પીવાની ઘટના અને ત્યારબાદ થયેલા મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાના સાચા કારણો શું હતા અને એસિડ કયા સંજોગોમાં પીવામાં આવ્યું, તે સહિતના મુદ્દાઓ પર હાલ તપાસ ચાલી રહી છે.
આ મામલે વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના જણાવ્યા મુજબ વેરાવળના ડાભોર રોડ પર આવેલ વિનાયક સોસાયટીમાં રહેતા સુનિલભાઈ ચોધરી કોઈ કારણોસર એસિડ પી જતા તેમના પરિવાર દ્વારા તેમને વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચેલ જ્યાં પોલીસને સુનિલભાઈએ પ્રાથમિક નિવેદનમાં પોતે ભૂલ થી એસિડ પીધા નું જણાવેલ આ ઉપરાંત નાયબ મામલતદાર હિતેશ ખેર સમક્ષ નોંધાયેલ મરણોત્તર નિવેદન માં પણ સુનિલ ભાઈ એ પોતે ભૂલ થી એસિડ પી ગયાનું જણાવેલ છે. વેરાવળ થી વધુ સારવાર અર્થે તેમને રાજકોટ ખાતે રીફર કરવામાં આવેલ જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું છે. તેમનું પી.એમ સહિતની કાર્યવાહી રાજકોટ ખાતે થયેલ હોય, રાજકોટ થી પી.એમ.રિપોર્ટ સહિતના કાગળો વેરાવળ આવ્યે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ રાજકોટ ખાતે થયેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ તેમજ અન્ય જરૂરી કાગળો વેરાવળ પોલીસને મળ્યા બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. પોલીસ દ્વારા ઘટના પાછળનું વાસ્તવિક કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. PM રિપોર્ટ અને તપાસ બાદ જ ક્લાસ-૨ અધિકારીના મોત પાછળનું સાચું રહસ્ય બહાર આવશે.


