જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ‘કૃષ્ણ જન્મોત્સવ’ની ભવ્ય ઉજવણી કરાઈ
શોભાયાત્રા, મટકી ફોડ, મંદિરોમાં મધ્યરાત્રીએ કૃષ્ણ જન્મનાં વધામણા, શંખ, ઝાલરનાં નાદ સાથે ‘નંદ ઘેર આનંદ ભયો’, ‘જય કનૈયા લાલ કી’નો જયઘોષ
જૂનાગઢ તા. ૭
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વની ખુબ જ ઉત્સાહ અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામડાઓ અને શહેરોમાં કાનનાં જન્મનાં વધામણા સાથે શોભાયાત્રા, મટકી ફોડ સહીતનાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતાં. જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સૌરાષ્ટ્ર ગોકુળીયુ બની ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવનાં પર્વ જન્માષ્ટમીની તા. ૪-૯-ર૬ શ્રાવણ વદ-૮ અને શુક્રવારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં હરીઓમ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ૮૧મી શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાંથી ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનલીલાની ઝાંખી તથા વિવિધ વિષયો દર્શાવતાં ૪૦થી વધુ ફલોટ જાેડાયા હતાં. જન્માષ્ટમીનાં પર્વે બપોરનાં દેવવાડી ખાતેથી મોટી હવેલીનાં બાવાશ્રી પૂ.પિયુષબાવા તેમજ સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચાંદીની પાલખીમાં કનૈયાને બિરાજીત કરવામાં આવેલ. આ ઉપરાંત કાળા અને ભગવા રંગની થીમ મુજબ સમગ્ર મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં દ્વારકાધીશ મંદિર અને દ્વારકાધીશનાં દર્શન થયા હતાં. સમુદ્ર મંથન, સુદામા-કૃષ્ણ મુલાકાત પ્રસંગ, ભગવાન કૃષ્ણનું વિરાટ સ્વરૂપ, જાંબુવન યુધ્ધ સહીતનાં પ્રસંગો જીવંતપાત્રો દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સમગ્ર રૂટ ઉપર આઠ વિશાળ ગેઈટ બનાવવામાં આવ્યા હતાં. ઢોલ, ત્રાસા અને બેન્ડ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા શહેરનાં માર્ગો ઉપર નીકળી હતી. અને શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયુ હતું. શોભાયાત્રામાં રહેલા આકર્ષક ફલોટસ તેમજ ઉજજૈનનાં અઘોરીઓનાં કરતબે ભારે આકર્ષણ જગાવ્યું હતું. શોભાયાત્રા પૂર્વે કાનાને સોનાનો મુગટ અર્પણ કરાયો હતો. ચાંદીની પાલખીમાં બાળકાનાને બીરાજીત કરવામાં આવેલ જેને ભાવિકોએ જુલાવવાનો લ્હાવો લીધો હતો. વૈદિક અને ઔષધીય જડીબુટ્ટી મિશ્રીત ધુપ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને સમગ્ર રૂટ પર પ્રગટાવી માર્ગો પર અનોખી સુગંધ પ્રસરાવવામાં આવી હતી.
શહેરનાં માર્ગો પર ફરી આ શોભાયાત્રા કાળવા ચોકમાં સંપન્ન થઈ હતી. પૂર્ણાહુતિ સમયે ભુતનાથ મંદિરનાં મહંત મહેશગીરી બાપુનાં હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી. તેમજ ‘નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’, ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’નો જયઘોષ ગુંજી ઉઠયો હતો. જૂનાગઢ જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રભરનાં શહેરો અને ગામોમાં પણ જન્માષ્ટમી પર્વની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.


