જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે ચેરમેન પ.પુ.કો.સ્વા.પુરૂષોતમપ્રકાશદાસજીના જન્મદિવસ નિમિતે અભિષેક-નૂતન ધ્વજાપુજન સહિતના કાર્યક્રમો યોજાયા
પુ.પી.પી.સ્વામીને સંતો-હરિભકતો અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી
જૂનાગઢ તા.૭
જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ચેરમેન પ.પુ.કો.સ્વા.પુરૂષોતમપ્રકાશદાસજી (પી.પી. સ્વામી)ના જન્મદિવસ નિમિતે જૂનાગઢધામ ખાતે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાા. આ સાથે જ સંતો, હરીભક્તો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ચેરમેન પુ.પી.પી.સ્વામીને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સેવાકીયકાર્યો, ધાર્મિક કાર્યો અને જૂનાગઢ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરના વિકાસશીલ કાર્યોને આગળ ધપાવે તેવી શુભકામના સાથે મહાપ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ પુ.પી.પી.સ્વામીના જન્મદિવસ પ્રસંગે મુર્તિ અભિષેક, સર્વે દેવોને નુતન ધ્વજા પુજન તથા સંતો-પાર્ષદોને રસોઈ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું તેમજ હરીભકતો અને ભાવીકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સવારથી જ ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જવાહર રોડ પર આવેલા અને લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતિક એવા શ્રી સ્વામિ નારાયણ મુખ્ય મંદિરનાં વર્તમાન ચેરમેન પ.પુ.કો.સ્વા. પુરૂષોતમપ્રકાશદાસજી સંતો હરીભકતોમાં પી.પી.સ્વામીના નામથી ઓળખાય છે અને તેઓના અત્યાર સુધીના જીવનના અનન્ય પાસા પર એક દ્રષ્ટીપાત કરીએ તો પૂજ્ય પીપી સ્વામીએ નાનપણમાં જ સંસારનો ત્યાગ કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પોતાનું સમગ્ર જીવન સમપિર્ત કરી દીધું હતું. ત્યારથી આજ સુધી તેમનું જીવન સેવા અને સમાજના કલ્યાણ માટે સમપિર્ત રહ્યું છે. તેમના મેનેજમેન્ટ હેઠળ મંદિરમાં મોટા-મોટા ઉત્સવો ભવ્યતા સાથે સંપન્ન થાય છે. દરેક કાર્યક્રમમાં તેમની દીર્ઘદ્રષ્ટિ અને સૂક્ષ્મ આયોજનથી એક અલૌકિક શોભા અને વ્યવસ્થા પ્રગટે છે. દર્શનાર્થીઓની સગવડ, ઉતારાની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા કે ધાર્મિક અનુષ્ઠાનો બધું જ તેમની સતત ચિંતા અને ઉત્સાહનું પરિણામ છે. તેઓ સમાજ અને હરિભક્તોની સેવામાં સતત કાર્યરત રહે છે. હાલમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં તેમના નેતૃત્વ હેઠળ અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યો ચાલી રહ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ, લાખો હરિભક્તો એકસાથે બેસીને પ્રસાદ લઈ શકે તેવા નૂતન ભોજનાલયનું નિર્માણ તથા ભગવાન સ્વામિનારાયણના મહાપ્રસાદિભૂત ઝીણાભાઈના દીવાનખાનાનો જીર્ણોદ્ધાર-આ બધાં કાર્યો તેમની દૂરદર્શી દૃષ્ટિ અને કર્મયોગી સ્વભાવનું જીવંત ઉદાહરણ છે. પૂજ્ય પી.પી.સ્વામીનો સ્વભાવ અનોખો છે. તેઓ એસીની ઠંડકમાં બેસીને કામ કરવાને બદલે સતત કાર્યસ્થળે જાતે હાજર રહે છે. ગમે તેવી કાળજાળ ગરમી હોય કે ઠંડી, જ્યાં સેવાનું કાર્ય ચાલતું હોય ત્યાં તેઓ પોતે ઉપસ્થિત રહીને સેવકો અને ભક્તોનો ઉત્સાહ વધારતા રહે છે. આ કર્મયોગી જીવન તેમને માત્ર મંદિરના ચેરમેન નહીં, પરંતુ સેવાના જીવંત પ્રતીક તરીકે સ્થાપિત કરે છે.
ગઈકાલે તેમના જન્મદિવસ નિમિતે સૌ સંતો અને હરિભક્તોએ પ્રાર્થના સાથે શુભકામના પાઠવી છે કે પરમ પૂજ્ય પીપી સ્વામીને ભગવાન શ્રી સ્વામિનારાયણ દીર્ઘાયુ, આરોગ્ય અને અવિરત સેવાશક્તિ પ્રદાન કરે. તેમનું જીવન સમગ્ર સમાજ માટે સેવા, સમર્પણ અને કર્મયોગનો સંદેશ પહોંચાડતું રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી તેમ મેનેજર પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.


