ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) એશિયા પેશીફીક એલીડ-યુ-૧૪ વુમન ટાઈટલ વિજેતા કુ.જેન્સી કાનાબારનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત સાથે સન્માન

જૂનાગઢ જીમખાનાનું ટેનિસ કોર્ટ હવે જેન્સી કાનાબારનાં નામે ઓળખાશે : કલેકટર

ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) એશિયા પેશીફીક એલીડ-યુ-૧૪ વુમન ટાઈટલ વિજેતા કુ.જેન્સી કાનાબારનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત સાથે સન્માન

જૂનાગઢ તા.૦ર
તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) એશિયા પેશીફીક એલીડ-યુ-૧૪ વુમન ટાઈટલ જીતી લઈ અને જૂનાગઢની દિકરી કુ.જેન્સી દિપકભાઈ કાનાબારે જૂનાગઢ સહિત દેશનું પણ ગૌરવ વધારેલ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતની પ્રથમ દિકરીએ વિજેતાનો કિર્તીસ્તંભ સ્થાપી ગૌરવ બક્ષ્યું છે ત્યારે તેની આ સિધ્ધી બદલ અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે અને તેમને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ પણ જૂનાગઢ શહેરમાં આજે યોજવામાં આવ્યો હતો.
જૂનાગઢ રમત પરિવાર અને જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સંચાલીત ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેશીફીક એલીટ યુ-૧૪ વુમન ટાઈટલ વિજેતા કુ.જેન્સી દિપકભાઈ કાનાબારનું આજે જૂનાગઢમાં ભવ્ય સ્વાગત સન્માન અને બાઈક રેલી યોજાઈ હતી. જૂનાગઢ જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગૌરવરૂપ કાર્યક્રમ યોજાયો હતો. જેન્સી કાનાબારને સન્માનીત કરવામાં આવી હતી તેમજ મજેવડી ગેઈટથી સરદાર પટેલ રમત સંકુલ ખાતે સ્વાગત સન્માન બાઈક રેલી યોજાઈ હતી. આ તકે જૂનાગઢના ધારાસભ્ય તેમજ અગ્રણી આગેવાનો, પદાધિકારીઓ તેમજ સંસ્થાઓ પણ જાેડાઈ હતી. દરમ્યાન જૂનાગઢ જીમખાના ટેનિસ કોર્ટનું નામ આજથી જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ રહેશે તેવી જાહેરાત જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા દ્વારા કરવામાં આવી હતી.