પ્રજા અને ઉદ્યોગકારોને મૂર્ખ બનાવવાનું બંધ કરી તાત્કાલીક રસ્તા બનાવો

જીઆઈડીસી ગેઈટ-ર પાણીનાં નિકાલ માટે નવો પુલ બનાવવાની કામગીરી દરમ્યાન વાહનોને વૈકલ્પિક માર્ગ જીઆઈડીસીમાંથી આપવામાં આવ્યો હતો : ભારે વાહનોની અવર-જવરને કારણે રસ્તા તુટી ગયા છે અને કોર્પોરેશન જવાબ દેતું નથી

પ્રજા અને ઉદ્યોગકારોને મૂર્ખ બનાવવાનું બંધ કરી તાત્કાલીક રસ્તા બનાવો

જૂનાગઢ તા. ૩૧ :
જૂનાગઢ - રાજકોટ નેશનલ હાઈવે પર જીઆઈડીસી ગેઈટ-ર પાસે વરસાદી પાણીનાં નિકાલ માટે નવો પુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે કામગીરી સબબ જૂનાગઢ - રાજકોટ હાઈવે પર પસાર થતાં વાહન વ્યવહારને વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે જીઆઈડીસી-ર ઔદ્યોગિક વસાહતમાંથી પસાર થવા દેવામાં આવતા હતા. મહાનગરપાલિકા દ્વારા નિગમની કોઈ પરવાનગી પણ લેવામાં આવી ન હતી. જીઆઈડીસી-ર ઔદ્યોગિક વસાહતમાં મોટા વાહનો પસાર થવાનાં કારણે રસ્તાઓને ભારે મોટું નુકશાન થયું છે. કોર્પોરેશને નવા રસ્તા બનાવી આપવાનું વચન આપ્યું હતું જે વચન આજે ભુલાઈ ગયું છે. આજે જીઆઈડીસી-રમાં રસ્તાઓની દયનીય હાલત છે અને ઉદ્યોગકારોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહયો છે. આ બાબતે તત્કાલ સંબંધીત તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે. દરમ્યાન ફેકટરી ઓનર્સ એસો. જીઆઈડીસી-રનાં પ્રમુખ પરેશભાઈ ચોવટીયાએ જીઆઈડીસી-રનાં રસ્તાઓ કેટલી હદે ખરાબ છે તે અંગેનો એક ચિતાર રજુ કર્યો હતો. તેમજ આ રસ્તાની આવી ખરાબ હાલતને લઈને ઓદ્યોગિક વસાહતમાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમ જણાવી વધુમાં જણાવ્યું હતું કે ગત એપ્રીલ ર૦રપમાં જીઆઈડીસી-ર પાસેના જૂનાગઢ-રાજકોટ હાઈવે પરના પુલના કામ સબબ જીઆઈડીસી-રમાંથી ડાઈવર્જન આપવામાં આવેલ હતું. આ બાબતે જીઆઈડીસી જૂનાગઢ દ્વારા તા. ૧પ-પ-રપનાં પત્રમાં મનપાનાં કમિશ્નરને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જૂનાગઢ-રાજકોટ હાઈવે પરનાં વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા જીઆઈડીસી-ર ઔદ્યોગિક વસાહતમાંથી કરવામાં આવેલ છે. જે અંતર્ગત મનપા દ્વારા નિગમની કોઈ પરવાનગી આજ સુધી લેવામાં આવી નથી. રેકર્ડ પરની ઉપરોકત હકીકત હોવા છતાં માનવતા દાખવી અને વહીવટી તંત્રને મદદરૂપ થવાના ભાગરૂપે જીઆઈડીસી-ર ફેકટરી ઓનર્સ એસો. જૂનાગઢ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ ડાઈવર્ઝન રોડ ચાલુ રાખવામાં આવ્યો હતો. ફેકટરી ઓનર્સ એસો.નાં આ નિર્ણયની મનપાનાં પદાધિકારીઓએ તેમજ જન પ્રતિનિધિઓએ પણ સરાહના કરી હતી. અને આ તકે ડાઈવર્જન રોડ બંધ કરાયા પછી જીઆઈડીસી-રનાં તમામ રોડ તાત્કાલીક ધોરણે નવા બનાવી દેવા માટેનું વચન આપવામાં આવ્યું હતું. દરમ્યાન ઓકટોબર-રપનાં અંતમાં જૂનાગઢ રાજકોટ હાઈવે પરના પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તકતીનું અનાવરણ પણ થઈ ગયું અને આ સાથે જીઆઈડીસી-રને આપેલા સારા રસ્તા બનાવી આપવાનું વચન ભુલી જવામાં આવ્યું છે. 
માર્ચ-ર૬નાં અંત સુધીમાં જૂનાગઢ જીઆઈડીસી-રનાં રસ્તાની હાલત અને મુશ્કેલી એટલી બધી વધી ગઈ છે કે જેની ભારે મોટી અસર પડી રહી છે. રસ્તાની હાલત અંગે સંસ્થાનાં પ્રમુખ પરેશભાઈ ચોવટીયાએ વ્યથા રજુ કરી છે. અને તાત્કાલીક અસરથી જીઆઈડીસી-રનાં રસ્તા તંત્ર દ્વારા બનાવી દેવામાં આવે તેવી લાગણી વ્યકત કરવામાં આવી છે અને જાે કાર્યવાહી કરવામાં નહી આવે તો આંદોલનની ચિમકી આપી છે.