વલસાડનાં વિશ્વંભરી ધામની પોલ ખોલનાર ભેસાણનાં એડવોકેટ સહિત ત્રણનું અપહરણ કરનાર ચાર શખ્સોને પોલીસ ગણતરીની કલાકોમાં ઝડપી લીધા

આરટીઆઈનું મનદુ:ખ રાખી અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી

વલસાડનાં વિશ્વંભરી ધામની પોલ ખોલનાર ભેસાણનાં એડવોકેટ સહિત ત્રણનું અપહરણ કરનાર ચાર શખ્સોને પોલીસ ગણતરીની કલાકોમાં ઝડપી લીધા

જૂનાગઢ તા. પ
કાયદાના શાસન અને પારદર્શિતા માટે લડત આપતા એક વકીલ પર ગુજરાતમાં હીચકારો હુમલો અને અપહરણનો ગંભીર બનાવ બનવા પામ્યો છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે રહેતા એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ વલસાડ સ્થિત બે ધાર્મિક ટ્રસ્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ RTI દ્વારા માહિતી માંગી હતી. આ માહિતીના આધારે સરકારી તંત્ર દ્વારા ટ્રસ્ટો વિરૂદ્ધ કડક કાર્યવાહી થતાં મનદુ:ખ રાખીને ટ્રસ્ટ સાથે સંકળાયેલા આરોપીઓએ વકીલ સંજયભાઈ અને તેમના બે સાથીઓનું તેમના જ ગામ નજીકથી અપહરણ કર્યું હતું. જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ ફિલ્મી ઢબે અપહરણકારોને પકડી પાડ્યા છે. જૂનાગઢ ગ્રામ્ય વિભાગનાં ડીવાયએસપી  રવિરાજસિંહ પરમાર દ્વારા અપાયેલી માહિતી અને ફરિયાદી સંજય કાપડીયાના નિવેદન પરથી સમગ્ર ઘટનાક્રમ અને તેની પાછળના કારણોનો ખુલાસો થતા ભારે ચકચાર જાગી ઉઠી છે. આ બનાવનાં અનસંધાને ફરિયાદી સંજય કાપડીયાના જણાવ્યું કે, તેઓ થોડા સમય પહેલાં વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલા વિશ્વમંભરી મંદિર ખાતે ગયા હતા અને ૧૦૦ રૂપિયાનું દાન કર્યું હતું. તેમને આપવામાં આવેલી પહોંચમાં ગેરરીતિની શંકા જતાં, તેમણે ચેરીટી કમિશનર કચેરી વલસાડ ખાતેથી RTI દ્વારા માહિતી માગી હતી.
આ RTIની લડતના કારણે મા વિશ્વમંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને મા વિશ્વવિધાતા ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ જાહેર થઈ હતી, જેમાં ટ્રસ્ટના પરિસરમાં ફૂડ વિભાગ દ્વારા રેડ કરીને ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. આ દવાખાનું સીલ કરવામાં આવ્યું હતું અને ૬ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાઠશાળાના નામે બિનખેતીની જમીન પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, અને ખુલ્લી જમીનના દસ્તાવેજાે કરીને સરકારની કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા લાખો રૂપિયાનો દંડ થાય તેવી શક્યતા છે.
વિશ્વવિધાતા ચેરીટેબલ ટ્રસ્ટની ઉપર, પાઠશાળાના બિલ્ડિંગના ઉપરના માળે ફાઇબર મટિરિયલથી ‘હિમાલય‘ની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. સંજય કાપડીયાએ વલસાડ કલેક્ટરને રજૂઆત કરી હતી કે ભૂતકાળમાં TRB કાંડ અને અન્ય અગ્નિકાંડના બનાવોની જેમ અહીં પણ મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમની રજૂઆત બાદ વલસાડ તાલુકા વિકાસ અધિકારી અને રાબડા ગ્રામ પંચાયત કક્ષાએથી આ ગેરકાયદેસર પ્રતિકૃતિને તાત્કાલિક દૂર કરવા/સીલ કરવાના આદેશો થયા હતા. જાેકે, સરપંચ અને તલાટી દ્વારા પોલીસ રક્ષણ માગવા છતાં આ પ્રતિકૃતિ સીલ થઈ નહોતી. ટ્રસ્ટની કેન્ટીનોમાં તોલમાપમાં ગેરરીતિઓ બદલ દંડ થયો હતો અને અન્ય પાંચ એકમો પણ સીલ થયા હતા. સંજય કાપડીયાની RTIના પગલે ટ્રસ્ટો પર આવેલી આફતનું મનદુ:ખ રાખીને, ટ્રસ્ટ સાથે સંકળાયેલા આરોપીઓએ તેમની સામે બદલાની ભાવનાથી હુમલો અને અપહરણનું કાવતરું રચ્યું હતું.
ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર જણાવ્યું હતું કે, બપોરના ૪:૦૦ વાગ્યાની આસપાસ ફરિયાદી સંજય કાપડીયા તેમના મિત્રો રાજેશ સાહુ અને રવિ પાસવાન સાથે જેતપુર રોડ નજીક આવેલી શ્યામ હોટલ પાસે ઊભા હતા. તે સમયે પંકજ પાદરા, પ્રશાંત ડેડકીયા, મિત વેકરિયા, ધવલ ગડારા, સાગર ગામી, સુરેશ અમીપરા સહિત અન્ય અજાણ્યા લોકો અને મહિલાઓ સફેદ અર્ટીગા અને ક્રેટા કારમાં અચાનક આવી ચડ્યા હતા. આરોપીઓએ સંજય કાપડીયા સાથે બોલાચાલી શરૂ કરી અને તેમને તથા તેમના મિત્રોને બેટ અને ઢીકાપાટુથી માર મારવાનું શરૂ કર્યું. ત્યારબાદ સંજય કાપડીયા, રાજેશ સાહુ અને રવિ પાસવાનનું બળજબરીથી અપહરણ કરી ગાડીઓમાં બેસાડી રફાળીયા ગામથી ધંધુકા તરફ, જસદણ-વિછીયા થઈને લઈ જવામાં આવ્યા હતા.
સંજય કાપડીયાના કહેવા મુજબ અપહરણ દરમ્યાન આરોપીઓએ સંજય કાપડીયાની મોટર સાઈકલ અને ત્રણેય મિત્રોના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. આરોપીઓએ રસ્તામાં તેમને ઢોર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે "તું RTIના કાગળો આપી દે અને અમારા વિશ્વમંભરીધામને  થયેલું આર્થિક નુકસાન ભરપાઈ કરી આપ, નહીં તો તને સુડીથી આંગળીઓ કાપી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ તેમને જણાવ્યું કે, ‘ભૂતકાળમાં પણ અમે જૂનાગઢના બાવાઓને મારેલા છે, ટોબરામાં બાવાઓ પર શું થયું હતું ?‘ આ વાત કરીને આરોપીઓ તેમને સંજય કાપડિયા અને તેના મિત્રોને ડરાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી. સ્થાનિક પોલીસે જૂનાગઢ એસપીને જાણ કરતા તેમણે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવા અને અપહરણકર્તાઓને પકડવા સૂચના આપી હતી. 
ભેસાણ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીઓ ફરિયાદીને ધંધુકા તરફ લઈ ગયા હોવાની બાતમી મળતાં ધંધુકા Dy.SPનો સંપર્ક કરવામાં આવ્યો. ધંધુકા પોલીસે શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભેસાણ પોલીસની ટીમ પણ ધંધુકા ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલી વોચના કારણે, અપહરણકર્તાઓ ફરિયાદી સંજય કાપડીયા અને તેના મિત્રોને લઈને તે રસ્તા પરથી પસાર થતાં જ પોલીસે તેમને ઘેરી લીધા હતા.
પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણ કરનારા ૪ જેટલા મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં રાબોડા ગામના પ્રશાંત સુરેશભાઈ ડેડુકિયા, નવસારીના કમલેશ ધીરુભાઈ રૂડાણી, મિત જગદીશ વેકરિયા, અને વડોદરાના અજય માસ્તર હીરા બોઘરા નો સમાવેશ થાય છે. ભેસાણ પોલીસે સંજય કાપડીયા અને તેમના મિત્રોને આરોપીઓની ચુંગાલમાંથી સલામત રીતે છોડાવ્યા હતા. આ ગુનામાં ચંદુભાઈ પંકજ પાદરા, અનિલ, ધવલ ગડારા, સુરેશ અમીપરા, અજાણ્યા ઇસમો, અજાણી મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.