સોમનાથ અને જૂનાગઢ રેંન્જના ડીઆઇજીના ધર્મપત્ની વંદનાબાને ગાંધીનગર ખાતે શૂટિંગ સ્પર્ધાનો પ્રતિષ્ઠિત એવોર્ડ અપાયો
રમતગમત ક્ષેત્રે રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડંકો વગાડનાર અને મૂળ રાજકોટના વતની એવા તેઓને શૂટિંગ સ્પર્ધા વિજેતાના અનેકો એવોર્ડ મળેલા છે
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૧૭
ગીર-સોમનાથ અને જૂનાગઢ પોલીસ રેંન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્ની વંદનાબા ચુડાસમાને સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે રાજ્યનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો. ગાંધીનગર ખાતે યોજાયેલ એકલવ્ય સરદાર પટેલ અને જયદીપસિંહ એવોર્ડ સમારોહમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો. વંદનાબા ચુડાસમાએ બે વર્ષમાં ૨૧થી પણ વધુ મેડલો શૂટિંગમાં હાંસલ કરી આ રમતમાં પોતાની ક્ષમતા અને દમખમ સાબિત કરી બતાવ્યા છે. ખાસ વાત એ છે કે વંદનાબાને કોચિંગ તેમના પતિ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલું છે અને આ તાલીમ થકી જ તેઓ સતત આગળ કૂચ કરતા રહ્યા છે. તેઓ દ્રઢ મનોબળથી જે નિશાન તાકે છે તે નિશાન લક્ષ્ય મુજબ તકાય છે. વંદનાબાએ શોર્ટગન, એરપિસ્તોલ, ૨૨ કેલીબરની સ્પોર્ટ્સ પિસ્તોલ સહિતની શૂટિંગ રમતોમાં મહારથ હાંસલ કરેલ છે અને આ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બોન્ઝ મળી ૨૪ મેડલો જીત્યા છે. વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધા અને માવલંકર સ્પર્ધામાં શોર્ટ ગન શૂટિંગ સિંગલ ટ્રેપમાં સ્પર્ધામાં ઉમદા પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત જયપુર ખાતે રમાયેલ શોર્ટગન શૂટિંગ સિંગલ ટ્રેપમાં તેમણે સિલ્વર મેડલ મળેલ છે. રાજ્યકક્ષાની એક જ ટુર્નામેન્ટમાં ત્રણ મેડલ હાંસલ કરી નવો જ રેકોર્ડ સ્થાપિત કરી દીધેલ હતો. વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પિતા રાજકોટમાં પીએસઆઇ તરીકે અને કચ્છ એસીબીમાં પી.આઇ. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના થયેલ સન્માનથી જૂનાગઢ રેન્જ પોલીસ અને ગીર-સોમનાથ ગૌરવ અનુભવે છે. રાજેન્દ્રસિંહ ચુડાસમા સારા નિશાનબાજ છે અને તેઓ તથા તેમના પુત્ર-પત્ની સમગ્ર પરિવારને શૂટિંગ સ્પર્ધાઓમાં વિજય અને સન્માનો મળેલા છે.


