કાંટેલાના બંધ મકાનના ફળિયામાંથી રૂા.૨.૭૦ લાખનો ગાંજો  મુકનાર આરોપીને એલસીબીએ ગણતરીના દિવસમાં ઝડપી પાડયો

એક અઠવાડિયાથી બંધ મકાનમાં અજાણ્યા શખ્સે મૂક્યો હતો ગાંજાનો જથ્થો : મિયાણી મરીન પોલીસમાં ફરિયાદ બાદ એલસીબીની ઊંડાણ પૂર્વકની તપાસથી ૨૧ વર્ષીય કાંટેલાનો જય ગોરસેરા ઝડપાયો

કાંટેલાના બંધ મકાનના ફળિયામાંથી રૂા.૨.૭૦ લાખનો ગાંજો  મુકનાર આરોપીને એલસીબીએ ગણતરીના દિવસમાં ઝડપી પાડયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૭
પોરબંદર નજીકના કાંટેલા ગામમાં એક અઠવાડિયાથી બંધ રહેલા મકાનના ફળિયામાં બાથરૂમની બાજુમાંથી રૂા.૨,૭૦,૫૦૦ની કિંમતનો ૫ કિલો ૪૧૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા ચકચાર મચી હતી. મકાનમાલિકે શંકાસ્પદ થેલો મળી આવતા તાત્કાલિક મિયાણી મરીન પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્નીફર ડોગ અને એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં તપાસ કરતા પાંચ પેકેટમાંથી ગાંજો મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તા.૦૬/૦૮/૨૦૨૬ના રોજ કાંટેલા ગામના ઘેલાભાઈ ટપુભાઈ વિક્રમાએ પોતાના રહેણાંક મકાનના ફળિયામાં બાથરૂમની બાજુમાં એક શંકાસ્પદ થેલો પડેલો હોવાની મિયાણી મરીન પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી નેવી બ્લુ કલરના થેલાની તપાસ કરતા તેમાં ખાખી રંગની ટેપથી વીંટાળેલા પાંચ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. સ્નીફર ડોગથી તપાસ કરાવ્યા બાદ પેકેટોમાં માદક પદાર્થ હોવાની શંકા મજબૂત બનતા એફ.એસ.એલ. અધિકારી તથા કાયદેસરની કાર્યવાહી માટેના પંચોની હાજરીમાં પેકેટોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં લીલા પાન, ડાળખા, બીજ તથા ફૂલના ટોપકાંવાળો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પાંચેય પેકેટનું કુલ વજન ૫ કિલો ૪૧૦ ગ્રામ અને અંદાજિત કિંમત રૂ.૨,૭૦,૫૦૦ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને આપેલી માહિતી મુજબ ઘેલાભાઈ વિક્રમાનો પુત્ર સંજય રાજકોટ ખાતે રહેતો હોવાથી તેઓ આશરે એક અઠવાડિયા પહેલાં રાજકોટ ગયા હતા. ત્યારબાદ ઘરે પરત ફરતા બાથરૂમની બાજુમાં શંકાસ્પદ થેલો જોવા મળ્યો હતો. પોતાની ગેરહાજરી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે ગાંજાનો જથ્થો પોતાના ફળિયામાં છુપાવ્યો હોવાની ફરિયાદ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ મામલે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અનડીટેક્ટેડ એન.ડી.પી.એસ. ગુનાને ડિટેક્ટ કરવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. એલસીબીના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણે બનાવના આસપાસના વિસ્તારમાં હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં મળેલી બાતમીના આધારે કાંટેલા ગામની જોગમાયા હોટલવાળી ગલીમાં રહેતા જય વિપુલભાઈ ગોરસેરા અંગે માહિતી મળી હતી. આરોપી હાલ કાંટેલા ગામના બસ સ્ટેન્ડ પાસે હોવાની માહિતી મળતાં એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને જય ઉર્ફે જયુ વિપુલભાઈ ગોરસેરા, ઉંમર ૨૧ વર્ષને ઝડપી લીધો હતો. એલસીબી કચેરી ખાતે પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત આપતાં અટક કરી આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મિયાણી મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.