રાણાવાવ પોલીસે સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો

વંથલીના કણઝા ગામેથી આરોપીને ઝડપવામાં રાણાવાવ પોલીસની ઝડપી કાર્યવાહી

રાણાવાવ પોલીસે સગીરાના અપહરણ, દુષ્કર્મ કેસના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૧
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો, અપહરણ તથા બળાત્કારના ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં રાણાવાવ પોલીસને મોટી સફળતા મળી છે. આરોપીને જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણઝા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હા રજિસ્ટર નંબર 11218015260243/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા - 2023ની કલમ 137(2), 87, 64(2)(આઇ)(એમ) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 8 મુજબ ગુન્હો નોંધાયેલ હતો. આ ગુન્હામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપી પ્રવિણ રાજુભાઈ વાધેલા (ઉ.વ.20, રહે. કણઝા ગામ, તા. વંથલી, જી. જૂનાગઢ)ને રાણાવાવ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્થળ પર પહોંચી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.