કોડીનારના વલાદર ગામે ઘર બહાર સુતેલા યુવાનને સિંહે ઉઠાવી જઈ ફાડી ખાધો

કોડીનારના વલાદર ગામે ઘર બહાર સુતેલા યુવાનને સિંહે ઉઠાવી જઈ ફાડી ખાધો

(બ્યુરો)            કોડીનાર તા.૧૪
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વલાદર ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો છે. વલાદર ગામમાં ગત રાત્રિના સમયે ૩૦ વર્ષીય યુવક મહેશ પ્રતાપ રાઠોડ પોતાના ઘરની બહાર સૂતો હતો. દરમિયાન ત્યાં આવી પહોંચેલી સિંહણે યુવાન પર હુમલો કરી તેને ઘસડીને લઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘરથી દોઢથી બે કિલોમીટર દૂર યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકને પાંચ સંતાન છે. વનવિભાગ દ્વારા ૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ પરિવારજનોએ સહાય લેવાની અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. આટલી સહાયમાં પાંચ સંતાનોનું ભરણપોષણ થઈ શકે નહીં. જેથી વધુ સહાયની માગ પરિવારજનોએ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે વિસ્તારમાં પાંજરાં મૂકવામાં આવ્યાં છે.