ઓખા મંડળના બે  બુટલેગરોને પાસા તળે ધકેલતી પોલીસ

ઓખા મંડળના બે  બુટલેગરોને પાસા તળે ધકેલતી પોલીસ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૮
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીના અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લાના કુખ્યાત ગુનેગારોના ઇતિહાસની માહિતી એકત્ર કરી અને જિલ્લાના પ્રોહિ. બુટલેગરોના પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. 
આ કાર્યવાહીમાં ભીમરાણા ગામના મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા અને આ જ વિસ્તારના દિલીપસિંહ વીરાજી જાડેજા નામના બે શખ્સોની પાસા દરખાસ્ત અહીંના જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને તેમણે હકારાત્મક અભિગમ સાથે ત્વરિત ર્નિણય લઇ, અને આ બંને શખ્સોની પાસા દરખાસ્ત મંજૂર કરી, બંનેનું અટકાયતી વોરંટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઇન્ચાર્જ પીઆઈ નિકુંજ જોશીની રાહબરી હેઠળ ઉપરોક્ત બંને આરોપીઓને અનુક્રમે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ અને જૂનાગઢની જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.