વિભાજનની વિભીષિકાને સ્મરીને રાષ્ટ્રની એકતા-અખંડિતતાનો સંકલ્પ જૂનાગઢમાં શહેર ભાજપ દ્વારા “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ”ની ભાવપૂર્ણ ઉજવણી

વિભાજનની વિભીષિકાને સ્મરીને રાષ્ટ્રની એકતા-અખંડિતતાનો સંકલ્પ જૂનાગઢમાં શહેર ભાજપ દ્વારા “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ”ની ભાવપૂર્ણ ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૭
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે કે ૧૯૪૭ના ભારતના વિભાજનની કરુણ અને હૃદયદ્રાવક ઘટનાને સ્મરણમાં રાખીને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિભાજન દરમ્યાન અસહ્ય પીડા, વિસ્થાપન અને સંઘર્ષનો સામનો કરનાર લાખો નિર્દોષ નાગરિકોના બલિદાન અને સંઘર્ષને સ્મરણ કરવાનો તેમજ નવી પેઢીને આ ઐતિહાસિક ઘટનાથી પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમમાં પ્રદેશ વક્તા પ્રદીપભાઈ ખીમાણી દ્વારા વિભાજનની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તે સમયની પરિસ્થિતિ અને સામાન્ય નાગરિકોએ ભોગવેલી ભયાનક પીડા અંગે અસરકારક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિભાજનની કરુણ સ્મૃતિ આપણને માત્ર ભૂતકાળ યાદ કરાવવા માટે નહીં, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દ જાળવવાની પ્રેરણા આપવા માટે પણ મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે ભાજપ જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા, મહામંત્રીઓ વિનુભાઈ ચાંદ્રેગ્રા, જયેશભાઈ ઘોરાજીયા અને મિલનભાઈ ભટ્ટ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન હિરપરા, પ્રદેશ કારોબારી સભ્ય પુનીતભાઈ શર્મા સહિત સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરઓ તથા વિવિધ મોરચાના પ્રમુખો-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિભાજનની વિભીષિકાનો ભોગ બનેલા તમામ નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભારતની એકતા અને અખંડિતતા જાળવવા તથા સામાજિક સૌહાર્દને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વિભાજનની પીડા સહન કરનાર તમામ પરિવારો અને નિર્દોષ નાગરિકોને શત્ શત્ નમન. તેમનું બલિદાન રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અવિરત પ્રેરણા બની રહે.