સાતમ-આઠમના તહેવારો નિમિત્તે ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને મીઠાઈ-ફરસાણનું વિતરણ
જૂનાગઢ, તા.૩
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, સાતમ-આઠમના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તેમજ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ જેટલા બાળકોને મીઠાઈ, ફરસાણ, ગાંઠિયા તથા ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારના આનંદમાં જરૂરિયાતમંદ પરિવારો અને બાળકો પણ સહભાગી બની શકે તેવા હેતુથી ગિરનારી ગ્રુપ દ્વારા આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ગિરનારી ગ્રુપ દ્વારા માત્ર તહેવારો પૂરતું જ નહીં પરંતુ નિયમિતપણે પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા દર માસે આશરે ૫૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોનો સર્વે કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને જરૂરી અનાજ-કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં ગિરનારી ગ્રુપના સભ્યો દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, દિલીપભાઈ દેવાણી, કિરીટભાઈ તન્ના, હરિભાઈ કારીયા, યોગાનંદુબાપુ, બીપીનભાઈ ઠકરાર, જિગાભાઇ વ્યાસ, ભાવિનભાઈ મારૂ સહિતના સભ્યોએ ઉત્સાહપૂર્વક પોતાની સેવાઓ આપી હતી. તેમ યાદીના અંતે જણાવેલ હતું.




