‘માલામાલ વીકલી ૨’માં ઈશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી, નવેમ્બરથી શરૂ થશે શૂટિંગ

ધર્મેન્દ્રના નિધન બાદ ઈશાએ સ્વીકારી પહેલી ફિલ્મ હોવાનો અહેવાલ; રવીના ટંડનથી લઈને રાજપાલ યાદવ સહિતના કલાકારોના નામ પણ ચર્ચામાં

‘માલામાલ વીકલી ૨’માં ઈશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી, નવેમ્બરથી શરૂ થશે શૂટિંગ

મુંબઈ, તા.૨
કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’ની સિક્વલને લઈને નવી માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર ‘માલામાલ વીકલી ૨’માં ઈશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી થઈ છે. બંને અભિનેત્રીઓએ ફિલ્મ માટે હા પાડી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઈશા દેઓલ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો અને ઓટીટી પર પસંદગીના પ્રોજેક્ટ્સમાં જ કામ કરી રહી છે. અહેવાલ મુજબ તે એક રસપ્રદ પટકથાની રાહ જોઈ રહી હતી અને ‘માલામાલ વીકલી ૨’ની ઓફર મળ્યા બાદ તેણે ફિલ્મ સ્વીકારી લીધી છે. ધર્મેન્દ્રના નિધન બાદ ઈશાએ સ્વીકારેલી આ પહેલી ફિલ્મ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ, સોનિયા બંસલ પણ ફિલ્મની કાસ્ટમાં સામેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ‘બિગ બોસ’માં ભાગ લીધા બાદ સોનિયા મ્યુઝિક વીડિયો ઉપરાંત કેટલાક ફિલ્મી પ્રોજેક્ટ્સમાં જોવા મળી ચૂકી છે. હવે તેણે પણ ‘માલામાલ વીકલી ૨’ માટે હા પાડી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ફિલ્મને અગાઉના ભાગથી અલગ નવી કહાની સાથે તૈયાર કરવામાં આવશે અને તેનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ કરવાની યોજના હોવાનું જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્મની સ્ટારકાસ્ટમાં રવીના ટંડન, પરિણીતિ ચોપરા, શિલ્પા શિરોડકર, એલ્વિશ યાદવ, રાજપાલ યાદવ, મહેશ માંજરેકર અને ફરદીન ખાન જેવા કલાકારોનાં નામ પણ સામેલ છે.
‘માલામાલ વીકલી ૨’ના દિગ્દર્શનની જવાબદારી ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ ફેમ અમિત જોશી સંભાળશે તેવી માહિતી સામે આવી છે. જોકે, ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ અને અન્ય વિગતો અંગે મેકર્સ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.