‘સૈયારા’ ગર્લ અનીત પડ્ડાની નવી વેબ સિરીઝ ‘હુંકાર’નું ટીઝર રિલીઝ, ‘આશ્રમ’ સાથે થઈ સરખામણી

‘હુંકાર- ધ રોર’માં ૧૭ વર્ષની વિદ્યાર્થિનીના પાત્રમાં જોવા મળશે અનીત; સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ વચ્ચે તેના અભિનય અને એક્સપ્રેશન્સની પ્રશંસા

‘સૈયારા’ ગર્લ અનીત પડ્ડાની નવી વેબ સિરીઝ ‘હુંકાર’નું ટીઝર રિલીઝ, ‘આશ્રમ’ સાથે થઈ સરખામણી

મુંબઈ, તા.૨
ગયા વર્ષે ‘સૈયારા’થી બોલિવૂડમાં ઓળખ બનાવનારી અભિનેત્રી અનીત પડ્ડા હવે નવા ઓટીટી પ્રોજેક્ટ સાથે દર્શકો સામે આવવા તૈયાર છે. તેની આગામી વેબ સિરીઝ ‘હુંકાર- ધ રોર’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર સામે આવ્યા બાદ સિરીઝની કહાનીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે, જ્યારે કેટલાક યુઝર્સે તેની સરખામણી બોબી દેઓલની જાણીતી વેબ સિરીઝ ‘આશ્રમ’ સાથે કરી છે.
‘હુંકાર’માં અનીત પડ્ડા ૧૭ વર્ષની સ્કૂલ ગર્લ ‘મીનુ રાવત’ની ભૂમિકામાં જોવા મળશે. મીનુ સબૂરી ફોર્ટ સ્થિત બાપજીના મહાશેર વિદ્યાલયમાં અભ્યાસ કરતી હોવાનું ટીઝરમાં દર્શાવવામાં આવ્યું છે. કહાની ત્યારે ગંભીર વળાંક લે છે જ્યારે મીનુ પોલીસ સ્ટેશન પહોંચીને પ્રભાવશાળી ‘બાપજી’ વિરુદ્ધ ગેરવર્તણૂક અને શોષણની ફરિયાદ નોંધાવે છે.
ટીઝરમાં ફરિયાદ બાદ શરૂ થતી પોલીસ તપાસ, કોર્ટ ટ્રાયલ અને હિંસક ઘટનાઓની ઝલક પણ જોવા મળે છે. જોકે, સિરીઝમાં બાપજીનું પાત્ર કયો અભિનેતા ભજવી રહ્યો છે તેની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.
સ્ટારકાસ્ટની વાત કરીએ તો અનીત પડ્ડાની સાથે ફાતિમા સના શેખ, રામ કપૂર અને મોહમ્મદ ઝીશાન અય્યુબ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. વેબ સિરીઝને ૨૫મી સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સને તેની કહાની અને માહોલ જોઈને બોબી દેઓલની ‘આશ્રમ’ યાદ આવી હતી. કેટલાકે તેને ‘આશ્રમનું મલ્ટીવર્સ’ ગણાવીને ટ્રોલ પણ કરી હતી અને સમાન વિષયવસ્તુ ધરાવતા વધુ એક શોની જરૂરિયાત અંગે સવાલ ઉઠાવ્યા હતા.
બીજી તરફ, અનીત પડ્ડાના અભિનય અને ટીઝરમાં જોવા મળેલા તેના એક્સપ્રેશન્સને અનેક દર્શકો તરફથી પ્રશંસા પણ મળી રહી છે. ‘સૈયારા’ બાદ અનીતના આ નવા અને ગંભીર પાત્રને લઈને તેના ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.