‘રેસ ૪’માં આમિર ખાનની એન્ટ્રીની ચર્ચા પર નિર્માતાની સ્પષ્ટતા, કહ્યું- હજુ કાસ્ટ નક્કી નથી
આમિર ખાન, ટાઈગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની અટકળો વચ્ચે રમેશ તૌરાણીએ કહ્યું- કાસ્ટ અને ડિરેક્ટર નક્કી થયા બાદ કરાશે સત્તાવાર જાહેરાત
મુંબઈ, તા.૨
લોકપ્રિય એક્શન-થ્રિલર ફ્રેન્ચાઇઝ ‘રેસ’ના ચોથા ભાગને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવિધ અટકળો ચાલી રહી છે. ખાસ કરીને ‘રેસ ૪’માં આમિર ખાન જોવા મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, હવે ફિલ્મના નિર્માતા રમેશ તૌરાણીએ આ ચર્ચાઓને ફગાવી સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મની કાસ્ટ કે ડિરેક્ટર અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રમેશ તૌરાણીના જણાવ્યા પ્રમાણે ‘રેસ ૪’ માટે કલાકારો અને નિર્દેશક નક્કી કરવાની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. તેમણે કહ્યું કે તમામ બાબતો નક્કી થયા બાદ ફિલ્મની ટીમ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ત્યાં સુધી ફિલ્મ સાથે જોડાયેલી બિનસત્તાવાર માહિતીને આગળ ન વધારવા પણ તેમણે વિનંતી કરી છે.
તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે ‘રેસ ૪’માં આમિર ખાનની સાથે ટાઈગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. એટલું જ નહીં, ફિલ્મના દિગ્દર્શક તરીકે વિજય કૃષ્ણ આચાર્યનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. જોકે, નિર્માતાની સ્પષ્ટતા બાદ હાલ આ તમામ નામોને માત્ર અટકળ તરીકે જ જોવામાં આવી રહ્યા છે.
‘રેસ’ ફ્રેન્ચાઇઝની પ્રથમ બે ફિલ્મોનું દિગ્દર્શન અબ્બાસ-મસ્તાને કર્યું હતું અને તેમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. ત્રીજા ભાગમાં સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યો હતો, પરંતુ ફિલ્મને અગાઉના બે ભાગોની સરખામણીએ અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નહોતો.
હવે ‘રેસ ૪’માં સૈફ અલી ખાન ફરી ફ્રેન્ચાઇઝમાં પરત ફરશે કે નહીં તેને લઈને પણ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. સૈફના ચાહકો પણ તેને ફરી ‘રેસ’ની દુનિયામાં જોવા ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આમિર ખાનથી લઈને સૈફ અલી ખાન સુધી કોઈ પણ કલાકારની ‘રેસ ૪’માં હાજરી અંગે હાલ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


