મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ
સંસ્કૃત ગૌરવ યાત્રાથી વિવિધ સ્પર્ધાઓ સુધીના કાર્યક્રમો યોજાયા, વિદ્યાર્થીઓને સંસ્કૃત સાહિત્યની સમૃદ્ધ પરંપરાનો પરિચય કરાવાયો
જૂનાગઢ, તા. ૨૯
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ વધે તેમજ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતના સમૃદ્ધ વારસા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તે હેતુથી સપ્તાહ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવની શરૂઆત પવિત્ર ગ્રંથો, વેદો અને મહાકવિઓના પૂજન-અર્ચન સાથે કરવામાં આવી હતી.
સંસ્કૃત સપ્તાહ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભાષણ દિન અને સંસ્કૃત સાહિત્ય દિન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શાળાના સંસ્કૃત કક્ષમાં ઉપલબ્ધ વિવિધ પુસ્તકોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. જેના માધ્યમથી વિદ્યાર્થીઓને સંસ્કૃત સાહિત્ય, ગ્રંથો અને તેની સમૃદ્ધ પરંપરા વિશે જાણકારી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે વધુ રુચિ કેળવાય અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે તે માટે વિવિધ સંસ્કૃત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી.
સમગ્ર સંસ્કૃત સપ્તાહ મહોત્સવને સફળ બનાવવા શાળાના આચાર્ય, સંસ્કૃત કક્ષ સંયોજક જાગૃતિબેન હરિયાણી તેમજ શિક્ષકગણે માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.


