વંથલીનાં સુખપુરમાં મદ્યરાતે આવેલી ચડેલી મગરનું દિલધડક રેસ્કયુ કરાયું
જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં વન્ય જીવોની અવરજવરના બનાવો વધી રહ્યા છે, દરમ્યાન ગત મોડી રાત્રે સુખપુર ગામે એક મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ પોતાની સૂઝબૂઝથી મગરનું સફળ રેસ્ક્યુ કરી મોટી જાનહાનિ ટાળી હતી.
આ બનાવ અંગે સુખપુર ગામના ખેડૂત કમલેશભાઈ રામભાઈ કાંબલીયાએ જણાવ્યું હતું કે મોડી રાત્રે જ્યારે તેઓ ગામના પાદરેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તા પર અચાનક એક મહાકાય મગર દેખાઈ હતી. આ મગર ધીમે-ધીમે જ્યાં ગામના પશુઓ બાંધેલા હતા ત્યાં જતી હતી. મગર પશુઓની એકદમ નજીક પહોંચી ગઈ હોવાથી સ્થિતિ જાેખમી બની હતી.
પરિસ્થિતિની ગંભીરતા પારખીને કમલેશભાઈએ તાત્કાલિક સુખપુરના સરપંચ અરુણભાઈ ડાંગરને ફોન કરીને જાણ કરી હતી. સંદેશો મળતા જ સરપંચ અને અન્ય ગ્રામજનો ટોર્ચ અને દોરડા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ગામ લોકોએ હિંમત ભેગી કરી વન વિભાગની સ્ટાઈલમાં જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. મગરને ચારેબાજુથી ઘેરી લઈને તેને સુરક્ષિત રીતે કાબૂમાં કરી લેવામાં આવી હતી. મગર પકડાઈ જતાં પશુઓ અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
મગરના રેસ્ક્યુ બાદ વન વિભાગના અધિકારીઓને ફરી જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગ્રામજનો પાસેથી મગરનો કબજાે મેળવ્યો હતો.


