‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર ઐશ્વર્યાને અડતાં સલમાન પર ભડક્યા હતા સંજય લીલા ભણસાલી: સ્મિતા જયકરનો મોટો ખુલાસો

શૂટિંગ દરમિયાન બંનેનો પ્રેમ છલકાતો હતો અને ક્રૂ કલાકો સુધી રાહ જોતો; ‘આંખો કી ગુસ્તાખિયાં’ ગીત વખતે બનેલી ઘટનાનો સીનિયર અભિનેત્રીએ કર્યો પર્દાફાશ

‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર ઐશ્વર્યાને અડતાં સલમાન પર ભડક્યા હતા સંજય લીલા ભણસાલી: સ્મિતા જયકરનો મોટો ખુલાસો

મુંબઈ, તા.૨૩
બોલિવૂડની આઈકોનિક બ્લોકબસ્ટર ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' દરમિયાન શરૂ થયેલી સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી આજે પણ ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં બંનેએ પહેલીવાર સાથે કામ કર્યું હતું અને શૂટિંગ દરમિયાન જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તાજેતરમાં સિદ્ધાર્થ કનનને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં ફિલ્મમાં ઐશ્વર્યાની માતાની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેત્રી સ્મિતા જયકરે સેટ પર બનેલી કેટલીક અજાણી ઘટનાઓ અને સલમાન-ઐશ્વર્યાના પ્રેમ સંબંધો અંગે રસપ્રદ ખુલાસા કર્યા છે.
સ્મિતા જયકરે જણાવ્યું હતું કે ૧૯૯૯ની આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર હાજર દરેક વ્યક્તિને ખબર હતી કે સલમાન અને ઐશ્વર્યા પ્રેમમાં છે, કારણ કે તેમની વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. ફિલ્મમાં બંને વચ્ચે જે ઉત્કૃષ્ટ કેમેસ્ટ્રી જોવા મળી હતી, તેવો જ રોમાન્સ રીયલ લાઈફમાં પણ સેટ પર છલકાતો હતો. જોકે, તેમણે ઉમેર્યું હતું કે આ પ્રેમકહાનીને કારણે ક્રૂના અન્ય સભ્યોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. શૂટિંગનો કોલ ટાઈમ સવારે ૭ વાગ્યાનો હોય છતાં બંને ૧૦ થી ૧૧ વાગ્યા સુધી આવતા નહીં, જેના કારણે બાકીના કલાકારો અને ક્રૂ મેમ્બર્સે લાંબો સમય રાહ જોવી પડતી હતી.
ઇન્ટરવ્યૂ દરમિયાન સ્મિતા જયકરે એક ચોંકાવનારો કિસ્સો સંભળાવતાં કહ્યું કે ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘આંખો કી ગુસ્તાખિયાં’ શૂટ થઈ રહ્યું હતું ત્યારે ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સલમાન ખાન પર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા.
ગીતના એક સીનમાં સલમાન અને ઐશ્વર્યાએ માત્ર એકબીજાની સામે સ્થિર ઊભા રહેવાનું હતું અને સલમાને કોઈ વધારાની હિલચાલ કરવાની નહોતી. પરંતુ સલમાન ખાન ઐશ્વર્યાને જોઈને એટલો ઘેલો થઈ ગયો કે તેણે સ્ક્રિપ્ટમાં ન હોવા છતાં ઐશ્વર્યાને હાથ અડાડી દીધો હતો.
આ જોઈને સંજય લીલા ભણસાલી સેટ પર ભડકી ગયા અને તેમણે તરત જ સલમાનને ખખડાવતાં પૂછ્યું કે તેણે આવું શા માટે કર્યું. ત્યારે સલમાન ખાને કોઈપણ ખચકાટ વિના બિન્દાસ જવાબ આપ્યો હતો કે તેનું મન થયું ઐશ્વર્યાને અડવાનું એટલે તેણે અડી લીધું. સલમાનનો આવો જવાબ સાંભળીને ઐશ્વર્યા શરમાઈ ગઈ હતી અને સેટ પર હાજર દરેક લોકોને પાકી ખાતરી થઈ ગઈ હતી કે સલમાન ખાન ઐશ્વર્યાના પ્રેમમાં સંપૂર્ણપણે ગળાડૂબ છે.
નોંધનીય છે કે ‘હમ દિલ દે ચૂકે સનમ’થી શરૂ થયેલી આ ચર્ચિત લવ સ્ટોરી લાંબો સમય ટકી શકી નહોતી અને થોડા જ સમયમાં બંને વચ્ચે વિવાદો સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.