નેપાળની પૂર હોનારત પર મનીષા કોઈરાલાની ભાવુક અપીલ, કહ્યું- ‘આફતોથી ઘેરાયેલા દેશ તરીકે ઓળખ નથી ઈચ્છતા’

ભારત, ચીન અને નેપાળને સાથે મળીને કુદરતી આફતો સામે કાયમી ઉકેલ શોધવા અપીલ; પ્રવાસનને નેપાળની અર્થવ્યવસ્થાની જીવાદોરી ગણાવી

નેપાળની પૂર હોનારત પર મનીષા કોઈરાલાની ભાવુક અપીલ, કહ્યું- ‘આફતોથી ઘેરાયેલા દેશ તરીકે ઓળખ નથી ઈચ્છતા’

મુંબઈ, તા.૧
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી સર્જાયેલી ગંભીર સ્થિતિ વચ્ચે અભિનેત્રી મનીષા કોઈરાલાએ ભારત, ચીન સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે આગળ આવવાની ભાવુક અપીલ કરી છે. કાઠમંડુમાં જન્મેલી મનીષાએ આ હોનારતને માત્ર નેપાળની સમસ્યા નહીં, પરંતુ હિમાલય ક્ષેત્ર સાથે જોડાયેલો વ્યાપક પડકાર ગણાવ્યો છે.
સદગુરુના નેતૃત્વમાં યોજાયેલા ‘નેપાળ સાથે એકજૂથતા’ કાર્યક્રમમાં મનીષાએ કહ્યું કે હિમાલય ક્ષેત્રના દેશો પર્યાવરણીય રીતે એકબીજા સાથે જોડાયેલા છે. તેથી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને કારણે સર્જાતા પડકારોનો સામનો કરવા ભારત, ચીન અને નેપાળે સરહદોથી ઉપર ઊઠીને સામૂહિક પ્રયાસો કરવા જોઈએ.
મનીષાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને નેપાળ પ્રત્યેનો સહયોગ અને પ્રેમ જાળવી રાખવાની અપીલ કરતાં કહ્યું કે દેશની વૈશ્વિક ઓળખ માત્ર કુદરતી આફતોના કારણે ન બનવી જોઈએ. તેના જણાવ્યા પ્રમાણે પ્રવાસન નેપાળની અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર છે અને હાલની હોનારતને કારણે સમગ્ર દેશના પ્રવાસન ક્ષેત્ર પર લાંબા સમય સુધી નકારાત્મક અસર ન પડે તે પણ જરૂરી છે.
તેણે જણાવ્યું કે પૂર અને ભૂસ્ખલનની ગંભીર અસર કેટલાક વિસ્તારોમાં થઈ છે. તેથી નેપાળને ફરી પગભર થવામાં મદદ કરવા વિદેશી પ્રવાસીઓએ દેશની મુલાકાત લેવાનું સંપૂર્ણપણે બંધ ન કરવું જોઈએ. પ્રવાસન ચાલુ રહે તો સ્થાનિક અર્થવ્યવસ્થા અને રોજગારીને ટેકો મળી શકે છે.
અહેવાલો અનુસાર નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદી સંબંધિત ઘટનાને પગલે આવેલા પૂર બાદ માટી, કાદવ અને પાણીના ધસમસતા પ્રવાહે ઉત્તરી અને મધ્ય નેપાળના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનેક ગામો અને હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સને પણ અસર થઈ હોવાનું જણાવાયું છે.
આ હોનારતમાં ૭૦૦થી વધુ લોકોનાં મોત અને ૨,૫૦૦થી વધુ લોકો ગુમ હોવાનો દાવો અહેવાલોમાં કરવામાં આવ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે મનીષા કોઈરાલાએ વિશ્વભરના લોકોને નેપાળ માટે રાહત સામગ્રી અને જરૂરી સહાય પહોંચાડવા તેમજ અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે.