જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ફરસાણ, મીઠાઈનું ધૂમ વેચાણ

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ફરસાણ, મીઠાઈનું ધૂમ વેચાણ

જૂનાગઢ તા. ૧
મોંઘવારીનાં અસહય માર વચ્ચે જનજીવન પ્રભાવીત બનેલું છે અને જરૂર પુરતી જ ખરીદી થતી હોવાનાં કારણે ઘણા સમય થયા બજારોમાં મંદીનો માહોલ પ્રવર્તી રહયો છે. ત્યારે સાતમ-આઠમનાં તહેવારોને લઈને બજારોમાં તેજીનો સંચાર થઈ રહયો છે. શ્રાવણ માસનાં તહેવારોની મોસમ શરૂ થઈ ચુકી છે અને રવિવાર સુધીનાં સમયગાળામાં વિવિધ પર્વને લઈને કરીયાણુ, પૂજાપો તેમજ સાતમ-આઠમમાં ખાસ તો મીઠાઈ, ફરસાણની સારી એવી ખરીદી નીકળશે તેવી આશાનો સંચાર થયો છે. ફરસાણ અને મીઠાઈ બજારમાં તહેવારોની ખરીદી નીકળશે તેવી આશા બંધાણી છે. ત્યારે તહેવારોનાં આગમન ટાંકણે ગ્રાહકોને ફરસાણ અને મીઠાઈની વિવિધ વાનગીઓ પુરી પાડવા ફરસાણ અને મીઠાઈનાં વેપારીઓ સજ્જ બની ગયા છે. અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 
આપણે ત્યાં તહેવારોની  દર વર્ષે પરંપરાગત ઉજવણી થતી રહી છે. ગમે તેવી પરિસ્થિતી હોય પરંતુ લોકો બધુ ભુલીને તહેવારોની ઉજવણી હટકે કરતા હોય છે.
સૌરાષ્ટ્રની ખાસીયત એ છે કે, તહેવારોને  હર્ષોલ્લાસથી ઉજવવા અને જેને લઈને સાતમ-આઠમનાં તહેવારો ઉજવવા લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહયો છે. તહેવારોની ઉજવણી મીઠાઈ અને ફરસાણ વિના અધુરી ગણાય છે. ત્યારે આગામી સાતમ આઠમનાં તહેવારોની ઉજવણીમાં વિવિધ પ્રકારની ખરીદી તો થશેજ પરંતુ ખાસ કરીને મીઠાઈ અને ફરસાણની ખરીદી ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. લોકો તહેવારોની ઉજવણીમાં મોંઘવારીનાં સમયમાં પણ મીઠાઈ અને ફરસાણની ખરીદી  વિશેષ કરે છે. તહેવારો દરમ્યાન જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં ખાસ કરીને ફરસાણ અને મીઠાઈની જબરી ઘરાકી નીકળતી હોય છે અને તેને ધ્યાને લઈને સૌરાષ્ટ્રભરની ફરસાણ અને મીઠાઈની બજારોમાં તેજીનો સંચાર થયો છે.
જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરનાં ફરસાણ અને મીઠાઈનાં વેપારીઓ દ્વારા ફરસાણ અને મીઠાઈની વિવિધ આઈટમો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જૂનાગઢ શહેરમાં સાતમ-આઠમનાં તહેવારોને અનુલક્ષીને મંડપો ઉભા કરી અને ફરસાણ, મીઠાઈ માટેનાં વેચાણ કેન્દ્રો શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
જૂનાગઢ શહેરમાં આવેલા ફરસાણની દુકાનો, સ્વીટ માર્ટ,ડેરી સહીતનાં નાના-મોટા વેપારીઓ દ્વારા નવી નવી વેરાયટી બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. સાતમ આઠમનાં તહેવારો દરમ્યાન ખાસ કરીને ફરસાણમાં ફાફડા, વણેલા ગાંઠીયા, પાપડી ગાંઠીયા, સેવ, તીખા ગાંઠીયા, ચેવડો, સકકરપારા, ખાજલી, પુરી, ચવાણુ સહીતની આઈટમો તો ખરીજ, આ ઉપરાંત મીઠાઈની વાત કરીએ તો જલેબી, મેસુબ, મોહનથાળ, થાબડી પેંડા, ગુલાબ જાંબુ, બરફી, કાજુ કતરી સહીતની દુધ અને મલાઈની અનેક વેરાયટીઓની માંગ રહે છે. જેને લઈને વેપારીઓ દ્વારા લોકોને સ્વાદિષ્ટ વાનગીઓ મીઠાઈ પુરી પાડવા કટીબધ્ધ બન્યા છે. તહેવારોના દિવસોમાં જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં જનતા તાવડા પણ શરૂ કરવામાં આવે છે. અને લોકોને સારી અને ગુણવત્તાયુકત મીઠાઈ અને ફરસાણ મળી રહે અને તે પણ કીફાયતી ભાવે તેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોમાં તહેવારો દરમ્યાન તેજીનો સંચાર થયો છે અને સારી એવી ઘરાકી નીકળશે તેમજ સારો વેપાર થવાની આશા બંધાણી છે.