સપ્ટેમ્બરમાં પણ ચોમાસુ નબળુ રહેશે : વરસાદ ખેંચાતા કુવાના તળીયા દેખાયા

મગફળી-કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતી : ખેડુતો પર ગંભીર સંકટ

સપ્ટેમ્બરમાં પણ ચોમાસુ નબળુ રહેશે : વરસાદ ખેંચાતા કુવાના તળીયા દેખાયા

(એજન્સી)    નવી દિલ્હી,તા.૦૧:
જૂલાઈ મહિનામાં સાવર્ત્રિક અને સારો વરસાદ વરસ્યા બાદ ગત ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ ખેંચાણ કરતા સૌરાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. વરસાદના બીજા રાઉન્ડની લાંબી રાહ જોયા બાદ હવે જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે. આગામી એક સપ્તાહ સુધી પણ ભારે વરસાદની કોઈ આશા નહીં હોવાથી ખેતી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાંથી મળતા અહેવાલો મુજબ, હાલમાં મગફળીનો પાક ખેતરોમાં લીલોછમ દેખાઈ રહ્યો છે, પરંતુ આ હરિયાળી પાછળ ખેડૂતોની રાત-દિવસની મહેનત છુપાયેલી છે. છેલ્લા એક મહિનાથી વરસાદ નહીં હોવાને કારણે ખેડૂતો કૂવા અને બોરના પાણીથી પાકને પિયત આપીને જેમ-તેમ કરીને બચાવી રહ્યા છે. જો કે, સતત ખેંચાણના કારણે હવે કૂવાના તળિયા દેખાવા લાગ્યા છે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે.
વરસાદના અભાવે માત્ર મગફળી જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના મુખ્ય રોકડીયા પાક ગણાતા કપાસ અને સોયાબીનની ખેતી પર પણ મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં વરસાદ ન થાય, તો મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.