અમેરીકાની આર્મીમાં ખળભળાટ  : સૈન્ય સચીવ ડેન ડ્રિસ્કોલે રાજીનામું આપી દીધું

અમેરીકાની આર્મીમાં ખળભળાટ  : સૈન્ય સચીવ ડેન ડ્રિસ્કોલે રાજીનામું આપી દીધું

(એજન્સી)       વોશિંગ્ટન, તા. ૧ :
અમેરિકી આર્મીના સેક્રેટરી ડેન ડ્રિસ્કોલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનું રાજીનામું સોંપતાં પેન્ટાગોનના ટોચના નેતૃત્વમાં ચાલી રહેલો આંતરિક સંઘર્ષ ફરી સપાટી પર આવ્યો છે. વ્હાઇટ હાઉસે સોમવાર, તા. ૩૧ ઑગસ્ટે ડ્રિસ્કોલની વિદાયની પુષ્ટિ કરી હતી.
તાજા અહેવાલ મુજબ રાજીનામું આપતાં પહેલાં ગયા અઠવાડિયે ડ્રિસ્કોલે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે બંધબારણે બેઠક કરી હતી. વાતચીતથી પરિચિત ચાર વ્યક્તિઓને ટાંકીને જણાવાયું છે કે ડ્રિસ્કોલે રક્ષા મંત્રી પીટ હેગસેથ હેઠળ અમેરિકી આર્મીના ભવિષ્ય અંગે પોતાની ગંભીર ચિંતા સીધી રાષ્ટ્રપતિ સમક્ષ મૂકી હતી.  આધારભૂત સૂત્રના જણાવ્યા મુજબ ડ્રિસ્કોલે ટ્રમ્પને સંખ્યાબંધ જનરલો અને અન્ય ઉચ્ચ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા, બહાર જવા મજબૂર કરાયા અથવા બઢતીથી વંચિત રાખવામાં આવ્યા તેની જાણ કરતાં ટ્રમ્પ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટોચના અધિકારીઓની વિદાય વચ્ચે અમેરિકી આર્મીના નેતૃત્વ અને યુદ્ધસજ્જતા અંગે ગંભીર સવાલો ઊભા થયા  છે.