ન્યાય અને સુશાસનનો સેતુ : વ્યાજખોરો અને ભૂમાફિયાઓને ભોં ભીંતર કરવા સરકાર સંકલ્પબદ્ધ, સાવચેતી એ જ સતર્ક-સુરક્ષા : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ભૂમાફિયાઓ અને વ્યાજખોરોના શિકાર બનેલા ૩૫ ખેડૂતોને ૫૦૦ વિઘાથી વધુ જમીનના કરોડોના દસ્તાવેજોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરત કરાવી, પુન: મળ્યો જમીનનો હક અપાવ્યો : ખેડૂતો વ્યાજના વિષચક્રમાં હોમાવાને બદલે સરકારની વિવિધ યોજનાનો લાભ લ્યે : કોરા કાગળ કે દસ્તાવેજ પર સહી કરતા પહેલા સહીની સહી-કિંમત વિચારો
રાજકોટ તા.૧૬
રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરો અને ભૂમાફિયાઓને ભોં ભીંતર કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. ભૂમાફિયાઓ અને વ્યાજખોરોના શિકાર બનેલા ૩૫ ખેડૂતોને ૫૦૦ વિઘાથી વધુ જમીનના કરોડોના દસ્તાવેજોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરત કરાવી, પુન: જમીનનો હક અપાવતા જણાવ્યું હતું કે, ખેડૂતો વ્યાજના વિષચક્રમાં હોમાવાને બદલે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લ્યે. કોરા કાગળ કે દસ્તાવેજ પર સહી કરતા પહેલા સહીની સહી-કિંમત વિચારો. સાવચેતી એ જ સતર્ક-સુરક્ષાનો સેતુ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજકોટના શાપર ખાતે વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તેમજ ભૂમાફિયાઓ પાસેથી મુક્ત કરાવાયેલી ૫૦૦થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો ખેડૂતોને પરત સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રજાભિમુખ કામગીરી, ઝડપી ફરિયાદ નિવારણ, રેકોર્ડ મેનેજમેન્ટ, ડિજિટાઈઝેશન અને પારદર્શક વહીવટની નોંધ લઈને નાયબ મુખ્યમંત્રીના હસ્તે જિલ્લા પોલીસને આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા દૂષણખોરો રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા દૂષણખોરો સામે સામે ‘આરપારની લડાઈ‘ લડવાનો ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજકોટ પોલીસે ૩૫ ખેડૂતોની અંદાજે ૧૦૦ કરોડથી વધુ રકમની જમીન પરત અપાવવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. દેશના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને જમીનો પરત અપાવવાનો આ પ્રથમ કિસ્સો છે. સાથે જ, નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોને અપીલ કરી હતી કે, વ્યાજખોરોને હંમેશા પોલીસ અને કાયદાનો ભય રહેવો જોઈએ. ખેડૂત પોતાની આખી જિંદગી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે. મુશ્કેલીના સમયે વ્યાજે લીધેલા નાણાં સામે વિશ્વાસઘાત કરીને વ્યાજખોરો અને ભૂમાફિયાઓ ખેડૂતોની જીવનભરની મૂડી સમાન જમીનો કબ્જે કરી લેતા હોય છે. ખેડૂતોએ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ અને વ્યાજખોરોના વિષચક્ર સામે સાવચેત રહેવું જોઈએ. દસ્તાવેજોમાં જો સહી કરતી વખતે સાવચેતી ન રાખવામાં આવે તો ભવિષ્યમાં ન્યાય અપાવવો ખૂબ મુશ્કેલ બને છે. આ પ્રસંગે તેમણે પોલીસમિત્રો અને તેમના પરિવારોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. શાપર, પડવલા, હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સૌજન્યથી નિર્માણ પામેલી વિભાગીય પોલીસ અધિકારી, રાજકોટ ગ્રામ્ય ડિવિઝન કચેરી કાર્યરત થવાથી શાપર-વેરાવળ સહિતના મહત્વના ઔદ્યોગિક તેમજ ગ્રામીણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક નાગરિકોને જરૂર પડ્યે પોલીસની સેવાઓ વધુ ઝડપથી મળી રહેશે. આ તકે નાયબ મુખ્યમંત્રીએ ઈશ્વરની આરાધના સાથે દીપ પ્રજ્વલ્લિત કરી નવનિમિર્ત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના સહયોગથી ભૂમાફિયાઓ તેમજ વ્યાજખોરો સામે ચલાવાયેલી કડક ઝુંબેશના ભાગરૂપે, દગાબાજી અને છેતરપિંડીથી પડાવી લેવાયેલી ૩૫ જેટલા ખેડૂતોની અંદાજે રૂા.૧૦૦ કરોડની ૫૦૦થી વધુ વિઘા જમીનના ૫૫ દસ્તાવેજો મૂળ માલિક ખેડૂતોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, કાર્યક્રમમાં સમગ્ર રાજકોટ જિલ્લા પોલીસ તંત્રને આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તમામ પોલીસ સ્ટેશનો અને શાખાઓ માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર મેળવનારો રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો છે. આ ઉપરાંત, લોકોમાં આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો દૂર કરી ૭૦૦થી વધુ લોકોને કાઉન્સેલિંગ દ્વારા નવું જીવન પૂરૂ પાડનારી રાજકોટ ગ્રામ્ય પોલીસની વિશેષ પહેલ ‘પ્રેરણા- નવા જીવનની’ અહેવાલનું પણ આ તકે નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની સ્વાગત વિધિ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવી હતી તેમજ આભારવિધિ મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી ડિવિઝન સીમરન ભારદ્વાજે કરી હતી. આ તકે જમીન પરત પ્રાપ્ત કરનારા ખેડૂતોએ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગનો વિશેષ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચનમાં અગ્રણીશ્રી દિનેશભાઈ બાંભણિયાએ રાજકોટ જિલ્લા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


