પોરબંદર શહેરમાં શ્રાવણીયા જુગાર ઉપર એલસીબીની ટીમ ત્રાટકી : બે સ્થળેથી ૧૦ જુગારીઓ ઝડપાયા
બોખીરા અને વિરડી પ્લોટ વિસ્તારમાં દરોડા દરમ્યાન રૂા.૫૪,૪૫૦ના મુદામાલ સાથે જુગારના બે ગણનાપાત્ર કેસ નોંધાયા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા. ૧
પોરબંદર શહેરમાં શ્રાવણીયા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોરબંદર એલ.સી.બી. દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ની ટીમે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બોખીરા જનકપુરી સોસાયટી તથા કીતિર્મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના વિરડી પ્લોટ અશરફીનગરમાંથી જાહેરમાં જુગાર રમતા કુલ ૧૦ શખ્સોને ઝડપી પાડી રૂ.૫૪,૪૫૦નો મુદામાલ કબજે કર્યો હતો.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (આઈ.પી.એસ.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા(આઈ.પી.એસ.) દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા તેમજ વધુમાં વધુ કેસો શોધી કાઢવા આપેલી સૂચનાના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને મળેલી હકીકતના આધારે બોખીરા જનકપુરી સોસાયટી શેરી નં.૩માં જાહેરમાં જુગાર રમતા જયેશ ગોવિંદભાઈ વાજા, હીરેન ગગુભાઈ કડછા, પીનાક દિનેશભાઈ કવા, અશોક ઉર્ફે હસમુખ કરશનભાઈ સવણિયા તથા ગગુ ભોદાભાઈ કડછાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગંજીપત્તાના પાના તથા રોકડા રૂા.૪૧,૪૦૦ મળી કુલ રૂા.૪૧,૪૦૦નો મુદામાલ કબજે કરાયો હતો. આ અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત કીતિર્મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરડી પ્લોટ અશરફીનગરમાં વસા હેર સલૂનવાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા મુદસર મેમુદભાઈ બેરા, મોસીન અહેમદભાઈ પઠાણ, અકબર ઉર્ફે એભો ઉમરભાઈ દલ, વસીમ યાસીનભાઈ કાજી તથા મહમદ હુસેન ઇકબાલભાઈ રૂંજા મળી પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગંજીપત્તાના પાના તથા રોકડા રૂા.૧૩,૦૫૦ મળી કુલ રૂા.૧૩,૦૫૦નો મુદામાલ કબજે કરી કીતિર્મંદિર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, એલ.સી.બી.ની બે અલગ-અલગ કાર્યવાહીમાં કુલ ૧૦ જુગારીઓ ઝડપાયા હતા અને બંને કેસમાં મળી કુલ રૂા.૫૪,૪૫૦નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.


