માંગરોળ બંદર ખાતે ભારત સરકારની માર્ગદર્શિકા હેઠળ માછીમારોના હિતો અને પ્રદુષણ મુદ્દે વિશેષ વર્કશોપ યોજાયો

માંગરોળ બંદર ખાતે ભારત સરકારની માર્ગદર્શિકા હેઠળ માછીમારોના હિતો અને પ્રદુષણ મુદ્દે વિશેષ વર્કશોપ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ, તા.૩
અત્રે સોમનાથ ભવન ખાતે ભારત સરકાર તરફથી BOBP અને મહાવીર મચ્છીમાર સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા વર્કશોપમાં ઓખા બેટ દ્વારકાથી લઈ જાફરાબાદ સુધીના માછીમાર સમાજના પટેલો, એસો.ના પ્રમુખો તથા આગેવાનો જાેડાયા હતા. ભારતના નાના પાયાના દરિયાઈ માછીમારોને ટકાવી રાખવા માટેની રાષ્ટ્રીય કાર્યયોજનાના ઘડતરનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ પ્લાન ઓફ એક્શન ફોર સ્મોલ સ્કેલ ફિશરીઝ અંતર્ગત ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા માછીમારો માટેની નીતિઓ અને યોજનાઓ ઘડતી વખતે માછીમારોના સુચનો અને અભિપ્રાયો લેવા અંગે ચર્ચા થઈ હતી. સમગ્ર દેશમાં આવા વર્કશોપ ચાલી રહ્યા છે? જેના ભાગરૂપે અત્રે યોજાયેલા વર્કશોપમાં સહભાગીઓએ પોતાના સુચનો અને સમસ્યાઓ ભારત સરકાર સમક્ષ પહોંચાડી હતી. જેમાં મુખ્યત્વે સરકારની યોજનાઓમા પરંપરાગત માછીમારોને પ્રાધાન્ય આપવામા આવે તેમજ જેતપુરની પાઇપલાઇન દ્વારા પ્રદૂષિત પાણી દરીયામાં છોડવા સામે મક્કમ અને મજબુત રીતે રજુઆત કરવામાં આવી હતી. દરીયામાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ કરનારને છોડવામાં ન આવે અને માછીમારોના હિતોને નુકસાન ન થાય તેવી માગણી કરાઈ હતી. માછીમારોના હિતોનું રક્ષણ થાય અને દરીયો સ્વચ્છ તથા સમૃદ્ધ રહે તો જ માછીમારો પોતાની આજીવિકા લાંબા સમય સુધી ટકાવી શકશે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા આ સેમીનારની વિશેષ પહેલ કરવામાં આવી હતી.