માળીયા હાટીનામાં ધરતીકંપના બે આંચકા-લોકો ઘર બહાર દોડી આવ્યા
જૂનાગઢ તા.૩
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં ધરતીકંપના હળવા આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળ્યા છે. માત્ર ૧૫ મિનિટના ટૂંકા સમયગાળામાં બે વખત આંચકા અનુભવાતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ગભરાયેલા લોકો તાત્કાલિક પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૧.૮ નોંધાઈ છે.
આ ભૂકંપની અસર માત્ર માળીયા હાટીના જ નહીં પરંતુ ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાેવા મળી હતી. ખાસ કરીને લાછડી, અમરાપુર, અકાળા, ચુંલડી, દેવગામ અને જલધર સહિતના આસપાસના ગામોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ટૂંકા અંતરમાં વારંવાર આવેલા આંચકાના પગલે ગ્રામ્ય પંથકમાં ભારે હલચલ મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


