સાબલપુર ખાતે પાણીના ખાડામાં ડુબી જવાથી મૃત્યુ પામનાર બાળકના પરિવારજનોને રૂા.પ લાખની સહાય ચુકવવા ગુજરાત રાજય માનવ અધિકાર આયોગનો સીમાચિન્હરૂપ આદેશ

આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે ટીમનું ગઠન કરી સંપૂર્ણ વિગતે બીલ્ડરો માટેની ગાઈડલાઈન જાહેર કરવા સુચના

સાબલપુર ખાતે પાણીના ખાડામાં ડુબી જવાથી મૃત્યુ પામનાર બાળકના પરિવારજનોને રૂા.પ લાખની સહાય ચુકવવા ગુજરાત રાજય માનવ અધિકાર આયોગનો સીમાચિન્હરૂપ આદેશ
gshrc.gujarat.gov.in

જૂનાગઢ તા. પ
જૂનાગઢ તાલુકાનાં સાબલપુર ગામ ખાતે પાણીના ટાંકા પાસે ખાડામાં ડુબી જતાં ૧ર વર્ષનાં બાળકનાં મૃત્યું થયાનાં બનાવમાં મૃતકનાં વાલી-વારસોને રૂા. પાંચ લાખની સહાય ચુકવવા ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ દ્વારા સીમાચીન્હરૂપ આદેશ કરવામાં આવ્યો છે. તે સાથે જ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જૂનાગઢ મનપા દ્વારા બિલ્ડરો માટેની ગાઈડલાઈન જાહેર કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ તાલુકાનાં સાબલપુર ગામ ખાતે પાણીનાં ટાંકા પાસે ખાડામાં ડુબી જતાં ૧ર વર્ષનાં બાળકનું અકસ્માતે મૃત્યુ થવા બાબતે અરજદાર મહેશભાઈ હરજીવનભાઈ દવે તરફથી અરજી કરવામાં આવી હતી. જે અરજી અન્વયે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત તા. ૩-૧૧-રપ બુધવારના રોજ ૧૩ કલાકે વિડીયો કોન્ફરન્સ મારફતે આયોગ સમક્ષ ઉપસ્થિત રહેવા આયોગ તરફથી સમન્સ પાઠવવામાં આવેલ હતું.
જેમાં મનપાનાં કમિશ્નર તેજસ પરમાર વિડીયો કોન્ફરન્સ મારફતે ઉપસ્થિત રહયા હતાં. મ્યુ. કમિશ્નરનો તા. ર૯-૧૦-રપનો અહેવાલ ટપાલ દ્વારા તેમજ ઈમેલ મારફતે આયોગ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. તેમજ ઈમેલ મારફતે ફોટોગ્રાફ પણ રજુ કરવામાં આવેલ જે તમામ રેકર્ડ ઉપર લેવાનો હુકમ કરવામાં આવેલ છે. વિશેષમાં મ્યુ. કમિશ્નર તરફથી રજુ થયેલ ઉપરોકત મુદતનાં અહેવાલની વિગતો ધ્યાને લેવામાં આવી હતી. સાબલપુર ગામ ખાતે પાણીના ટાંકા પાસે ખાડામાં ડુબી જતાં ૧ર વર્ષનાં બાળકનાં અકસ્માતે મૃત્યુનાં બનાવમાં મૃતક બાળકનાં વાલી-વારસોને રૂા. પાંચ લાખ જેટલી રકમ આ કામે જવાબદાર સંબંધીત એજન્સી દ્વારા ચુકવણું કરવા આદેશ કરવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે જૂનાગઢ મહાનગરપાલકાના મ્યુની. કમિશ્નરે તમામ કાર્યપાલક ઈજનેરોને તથા આ કામનાં જવાબદાર પી.સી. સ્નેહલ કન્સ્ટ્રકશન પ્રા.લી. અમદાવાદને પણ સુચીત કરવામા આવેલ છે. 
તેમજ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે રીતે એક ટીમનું ગઠન કરીને ઉપરોકત વિગતે બિલ્ડરો માટેની એક ગાઈડલાઈન જાહેર કરવાની સુચના પણ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગનાં અધ્યક્ષ કે.જે. ઠાકર દ્વારા આપવામાં આવી છે. તેમજ આ હુકમની જાણ તમામ પક્ષકારોને કરવા સુચના આપવામાં આવી છે.

તા.રપ-૦૫-૨૦૨૫ના રોજ બનેલી ઘટનામાં ખાડામાં ડુબી જવાથી અમન ખૈભર નામના બાળકનું મૃત્યુ થયું હતું

જૂનાગઢ તા.પ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.રપ-૦પ-ર૦રપ ના રોજ જૂનાગઢ શહેરના સાબલપુર ખાતે પાણીના ટાંકા પાસે ખાડામાં ડુબી જવાથી અમન હુશેનભાઈ ખૈભર (ઉ.વ.૧ર) નામના બાળકનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. જે બનાવે જે-તે વખતે ભારે ખળભળાટ મચાવી દીધો હતો. અને એક તબક્કે મૃતક બાળકના પરિવારજનોએ જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ બાબતની મુસ્લીમ અગ્રણી ઈમ્તીયાઝ પઠાણને જાણ થતા તેઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તંત્રની સમજાવટથી મામલો થાળે પડયો હતો અને આ બનાવ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી હતી.