જૂનાગઢનાં પૂર્વ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાને કાયમી આઈપીએસ તરીકેની રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી : અભિનંદનની વર્ષા

જૂનાગઢનાં પૂર્વ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાને કાયમી આઈપીએસ તરીકેની રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી : અભિનંદનની વર્ષા

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ જીલ્લાનાં પૂર્વ પોલીસ વડા હર્ષદ મહેતાને રાષ્ટ્રપતિ દ્વારા કાયમી આઈપીએસ તરીકે મંજુરી આપવામાં આવતા જૂનાગઢ અને સોરઠ પંથકમાં પોલીસ બેડામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુજરાત પોલીસ તંત્ર માટે ગૌરવ અને ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત કેડરનાં કુલ ર૩ આઈપીએસ અધિકારીઓને કાયમી ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) તરીકે મંજુરી આપવામાં આવી છે. આ યાદીમાં જૂનાગઢ જીલ્લાનાં પૂર્વ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનું નામ પણ સામેલ છે. રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલી આ મંજુરીને ગુજરાત પોલીસ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસીક સિધ્ધિ તરીકે જાેવામાં આવી રહી છે. જૂનાગઢનાં પૂર્વ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પોતાની ફરજકાળ દરમ્યાન જ પોતાનાં પદ પરથી ઓચિંતુ રાજીનામું આપતાં સમગ્ર ગુજરાતમાં તેમનાં રાજીનામાને લઈને ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી.
દરમ્યાન રાષ્ટ્રપતિ દ્વારા હર્ષદ મહેતાને કાયમી આઈપીએસ તરીકે મંજુરી અપાતા પોલીસ વિભાગમાં પણ આનંદની લાગણી ઉઠવા પામી છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા તરીકે નિમણુંક પામ્યા બાદ હર્ષદ મહેતાએ જૂનાગઢ જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સંગીન પરિસ્થિતિ માટે અનેકવિધ પગલાઓ લીધા હતાં. તેમજ કાયદાનાં શાસનને સર્વોપરી માનતા અને નિર્ભય રીતે તેઓની નિર્ણય શકિત કાબીલેદાદ હતી. તેમનાં નામથી જ ગુનેગાર તત્વોમાં ભયનો માહોલ સર્જાતો હતો. જયારે સામાન્ય નાગરીકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબુત બનતી હતી. જૂનાગઢનાં નાગરીકો, વેપારી આગેવાનો, સામાજીક સંસ્થાઓ તેમજ અનેક પૂર્વ અને વર્તમાન પોલીસ અધિકારીઓએ હર્ષદ મહેતાની કાયમી આઈપીએસ તરીકેની મંજુરીને વધાવી લીધી છે. અને શુભેચ્છા તેમજ અભિનંદનની વર્ષા થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્વારા મળેલી આ કાયમી મંજુરી સાથે હર્ષદ મહેતાની કારકીર્દીમાં એક વધુ ગૌરવપૂર્ણ અધ્યય ઉમેરાયો છે. ગુજરાત પોલીસનાં ઈતિહાસમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ સ્થાન મળશે તેમજ રાજયનાં પોલીસ તંત્રને વધુ મજબુત બનાવવા માટે આ પગલુ સકારાત્મક રીતે સાબીત થશે તેમ મનાય છે.
 જૂનાગઢમાં ફરજ બજાવતી વખતે હર્ષદ મહેતાએ પોલીસ વિભાગમાં શિસ્ત, જવાબદારી અને કાર્યક્ષમતાને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું. નાગરીકોની સુરક્ષા, મહીલા સુરક્ષા, ટ્રાફીક વ્યવસ્થા અને જાહેર શાંતિ જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ અભિયાન તેઓ દ્વારા હાથ ધરવામાં આવેલ હતું. આ ઉપરાંત યુવાનોને નશાખોરીની ચુંગલમાંથી મુકત કરવા માટેનું પણ એક સફળ અભિયાન હાથ ધર્યુ હતું. અને તેનો એક ઈતિહાસ રચાયો હતો. તેમજ જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવાનાં ભાગરૂપે માનવતાની દિવાલ જેવા કાર્યક્રમો પણ આપ્યા હતાં. અને આજે પણ જૂનાગઢ એલસીબી કચેરી પાસે દાતાઓના સહયોગ સાથે એક સેન્ટર ચાલી રહયું છે જયાં દાતાઓ તરફથી મળેલ કપડા, લત્તા સહીતની અનેક ચીજવસ્તુઓ જરૂરીયાતમંદ લોકો ગૌરવથી અને આત્મ સન્માન સાથે મેળવી શકે છે. ફરજ પ્રત્યેની નિષ્ઠા, કાર્યદક્ષતા અને માનવીય સંબંધો જાળવવાની કુનેહભરી કામગીરીની કદર રૂપે તેઓને રાષ્ટ્રપતિ દ્વારા કાયમી આઈપીએસ તરીકેની મંજુરી આપવાનાં ગૌરવપદ ક્ષણને સર્વત્ર વધાવવામાં આવી રહી છે.