ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢમાં AAPના ગંભીર આક્ષેપ, ગૃહમંત્રીના રાજીનામાની માગ

જૂનાગઢ ખાતે AAPના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાની પત્રકાર પરિષદ, પોલીસ તંત્ર પર મિલીભગતના આક્ષેપ

ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢમાં AAPના ગંભીર આક્ષેપ, ગૃહમંત્રીના રાજીનામાની માગ

જૂનાગઢ તા.૨૧
ભાવનગરમાં કથિત નકલી દારૂ પીવાના કારણે થયેલા મોતના બનાવને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ જૂનાગઢ ખાતે પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. AAPના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ ભાવનગર લઠ્ઠાકાંડને લઈને સરકાર પાસે જવાબ માગ્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે.
રાજુ બોરખતરીયાએ આક્ષેપ કરતા જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં રાજ્યમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે લઠ્ઠાકાંડ જેવા બનાવોને અલગ-અલગ નામ આપીને સમગ્ર મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.
જૂનાગઢ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં AAP નેતાએ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ તેના નાશની પ્રક્રિયામાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકા છે. તેમણે સવાલ કર્યો કે જપ્ત કરાયેલા દારૂમાંથી સારી ગુણવત્તાનો દારૂ ક્યાં જાય છે અને શું પોલીસ વિભાગના કેટલાક લોકો વચેટિયાઓ સાથે મિલીભગત કરીને ગેરકાયદે દારૂના કારોબારને પ્રોત્સાહન આપી રહ્યા છે?
બોરખતરીયાએ વધુમાં જણાવ્યું કે તંત્રની બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાવનગરની ઘટનામાં 9થી વધુ લોકોના મોત થયા હોવાના દાવા વચ્ચે તેમણે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની માગ કરી છે.
AAP નેતાએ સીધો આક્ષેપ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર લગાવતા કહ્યું કે ગૃહ વિભાગ અને પોલીસ તંત્રની જવાબદારી હોવા છતાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. તેમણે માત્ર ગૃહમંત્રીના રાજીનામાની જ નહીં પરંતુ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
જૂનાગઢ ખાતે AAP દ્વારા કરવામાં આવેલા આ ગંભીર આક્ષેપો બાદ હવે સરકાર અને પોલીસ તંત્ર તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તેના પર સૌની નજર છે. ભાવનગર લઠ્ઠાકાંડને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે ત્યારે સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કઈ કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.