‘સ્વચ્છ વંથલી–સુંદર વંથલી’ના સંકલ્પ સાથે સ્વચ્છતા કર્મચારીઓને વિશેષ તાલીમ
૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ, કચરા અલગકરણ અને ડોર-ટુ-ડોર કલેક્શન અંગે માર્ગદર્શન; નગરજનોને સ્વચ્છતામાં સહયોગ આપવા અપીલ
જૂનાગઢ, તા. ૧૦
વંથલી નગરપાલિકા દ્વારા શહેરી સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે વંથલી નગરપાલિકાના સભાખંડ ખાતે સ્વચ્છતા કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યોજાયેલી આ તાલીમમાં સફાઈ કામદારો, જાહેર શૌચાલયની દેખરેખ અને સંભાળ સાથે જોડાયેલા કર્મચારીઓ, વોર્ડ નિરીક્ષકો તેમજ ઘર-ઘર કચરો એકત્ર કરતા વાહનોના ચાલકો સહિતના કર્મચારીઓએ ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન શહેરના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા, કચરાના સ્થળોનું કાયમી નિવારણ કરવા, નિયમિત સફાઈ જાળવવા અને ઘર-ઘરથી કચરો એકત્ર કરવાની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભીના અને સૂકા કચરાના યોગ્ય અલગકરણ તથા નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા જેવા મુદ્દાઓ પર પણ કર્મચારીઓને જરૂરી માહિતી આપવામાં આવી હતી.
શહેરમાં કચરાના ઢગલા કે ગંદકીના સ્થળો ઊભા ન થાય તે માટે સ્વચ્છતા કામગીરી સમયસર અને જવાબદારીપૂર્વક કરવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. વિવિધ વોર્ડમાં સ્વચ્છતા જાળવવા અને કચરા સંગ્રહની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા પર પણ તાલીમ દરમિયાન ભાર મૂકવામાં આવ્યો હતો.
વંથલી નગરપાલિકાએ “સ્વચ્છ વંથલી–સુંદર વંથલી”ના સંકલ્પ સાથે ચાલી રહેલા ૧૦૦ દિવસ મહા સ્વચ્છતા અભિયાનમાં નગરજનોને પણ સહભાગી થવા અપીલ કરી છે. નાગરિકોને ઘરનો કચરો ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ માટે આવતા વાહનમાં જ આપવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અનુરોધ કરવામાં આવ્યો છે.


