જૂનાગઢ-પોરબંદરના રૂ.૩૫૧ કરોડના સાયબર ફ્રોડ કેસનો મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષ બાદ ઝડપાયો
રૂ.૧૮૮ કરોડના જૂનાગઢ અને રૂ.૧૬૩ કરોડના પોરબંદર સાયબર ફ્રોડમાં નૈતિક માવાણી આરોપી; દિલ્હી-રાજસ્થાન હાઈવે પરથી SOGએ ઝડપી પાડ્યો
જૂનાગઢ તા.31
જૂનાગઢમાં રૂ.૧૮૮ કરોડના સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર મુખ્ય સૂત્રધાર નૈતિક પરેશભાઈ માવાણીને જૂનાગઢ SOGની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી સામે પોરબંદરમાં પણ રૂ.૧૬૩ કરોડના સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આમ, બંને કેસની રકમ મળીને આશરે રૂ.૩૫૧ કરોડ થાય છે.
નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા જૂનાગઢ SOG દ્વારા હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસના આધારે ટીમે આરોપી નૈતિક માવાણીને દિલ્હી-રાજસ્થાન હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ SOG દ્વારા આરોપીનો હસતો અને સ્માઇલી ફેસ સાથેનો ફોટો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવતાં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય નૈતિક માવાણીએ અન્ય આરોપીઓ હિરલબા જાડેજા, સચીન મહેતા અને હીતેષ ઓડેદરા સાથે મળીને કથિત રીતે પૂર્વઆયોજિત ષડયંત્ર રચ્યું હતું. આરોપ છે કે સાહેદોને પ્રલોભન આપી વિઠ્ઠલ પલ્સ કોમોડિટીઝ, અર્હમ કોમોડિટી અને ભરત એન્ટરપ્રાઇઝ નામે ત્રણ બોગસ પેઢીઓ ઊભી કરવામાં આવી હતી.
આ પેઢીઓના નામે સાહેદોની જાણ બહાર કથિત ખોટા GST નંબર અને સર્ટિફિકેટ મેળવી અલગ-અલગ બેન્કોમાં કુલ ૨૧ કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરા ચેક અને RTGS ફોર્મ પર સહીઓ મેળવી તેનો ઉપયોગ દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
પોલીસ તપાસ મુજબ આ ૨૧ બેન્ક ખાતા અને સાહેદના અન્ય એક ખાતા સહિત કુલ ૨૨ બેન્ક એકાઉન્ટમાં રૂ.૧,૮૮,૦૩,૧૯,૨૮૧થી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ખાતાઓ મારફતે સાયબર ફ્રોડની રકમ સગેવગે કરવામાં આવી હોવાનો પોલીસનો આરોપ છે.
જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર નૈતિક માવાણી સામે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ રૂ.૧૬૩ કરોડના ફ્રોડનો ગુનો નોંધાયેલો છે, જ્યારે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પણ તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરીમાં SOGના PSI એચ.જે. બારડ સહિત પ્રતાપભાઈ શેખવા, મયુરભાઈ ઓડેદરા, કૃણાલસિંહ પરમાર અને પરબતભાઈ દિવરાણીયા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા. આરોપીને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સાયબર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


