ભારતમાં બદ્રીનાથ-માણા ગામ પર નેપાળ જેવી હોનારતનો ખતરો
(એજન્સી) નવી દિલ્હી તા, ૨૭
નેપાળમાં ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડવાથી સર્જાયેલી ભીષણ તબાહી બાદ હવે ઉત્તરાખંડના બદ્રીનાથ અને ભારતનાં પ્રથમ ગામ માણા માટે પણ જોખમ તોળાઈ રહ્યું છે.
એક સંશોધન મુજબ, અલકનંદા નદીના ઉપરનાં વિસ્તારમાં ૨૧૯ જેટલા ‘હેંગિંગ ગ્લેશિયર‘ (લટકતા બરફના પહાડો) ઓળખાયા છે. જો આ અસ્થિર ગ્લેશિયરનો કોઈ ભાગ તૂટી પડે, તો બરફ, પથ્થર અને કાંપના કારણે નદીઓનો પ્રવાહ રોકાઈ શકે છે અને આગળ જતાં નેપાળ જેવી ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
સ્થાનિક અનુભવો પણ આ કુદરતી ફેરફારોની ગવાહી આપી રહ્યાં છે. માણા ગામનાં પૂર્વ સરપંચના જણાવ્યાં મુજબ, છેલ્લાં કેટલાક દાયકાઓમાં હિમાલયનાં વાતાવરણમાં મોટો બદલાવ આવ્યો છે.
પહેલાં મે-જૂન સુધી નીચલા વિસ્તારોમાં બરફ જોવા મળતો હતો, પરંતુ હવે ગ્લેશિયર સતત પાછળ ખસી રહ્યાં છે. સતોપંથ અને વસુધારા પાસે આવેલાં ગ્લેશિયરો ઘટી ગયા છે. આ સાથે જ અનેક નાના તળાવો અને કાયમી કુદરતી જળસ્ત્રોતો સૂકાઈ ગયા છે, જે હવે માત્ર ચોમાસા દરમિયાન જ વહેતા જોવા મળે છે.


