માણાવદરના યુવાનની હત્યાનો ઘાયલ આરોપી ડિસ્ચાર્જ થતાં ધરપકડ
પત્ની સાથે સંબંધની શંકા, પૈસાની લેતી-દેતી મુદ્દે હત્યા કર્યાની કબૂલાત
જૂનાગઢ, તા.૨૮
માણાવદરમાં ગત તા.ર૦ના યુવાનની હત્યા થઈ હતી. તેનો આરોપી ડિસ્ચાર્જ થતા પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે મોબાઈલના પૈસા અને પત્ની સાથે સંબંધની શંકાના કારણે હત્યા કર્યાની તેમજ પોલીસ અને લોકોને ગુમરાહ કરવા પોતાના શરીર પર જાતે છરીના ઘા માર્યાની કબુલાત આપી હતી.
માણાવદરના બસ સ્ટેન્ડ નજીક આવેલી ગલીમાં દુકાન ધરાવતા જસ્મીનભાઈ મનસુખભાઈ બેચરા નામના યુવાનની ગત તા.૨૦ ઓગષ્ટના તેની દુકાનમાં જ છરીના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. અગાઉ તેનું ખેતર ભાગીયું રાખતા લીંબુડાના પ્રવિણ ગાંગા બારૈયા સ્થળ પરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને જૂનાગઢ સારવારમાં ખસેડાયો હતો. આ અંગે મૃતકના ભાઈએ પ્રવિણ બારૈયા સામે ફરિયાદ કરતા પોલીસે તેની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. એક સપ્તાહની સારવાર બાદ પ્રવિણ બારૈયા સ્વસ્થ થતા પોલીસે તેની ધરપકડ કરી મામલતદારની હાજરીમાં ઓળખ પરેડ કરાવી હતી. કોર્ટમાં રજૂ કરતા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
આ અંગે કેશોદના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, પોલીસ પૂછપરછમાં પ્રવિણે પહેલા તો ગોળગોળ વાતો કરી હતી, બાદમાં મોબાઈલના પૈસાની લેતી-દેતી મુદ્દે તેમજ પોતાની પત્ની સાથે સંબંધની શંકાના કારણે અગાઉ બોલાચાલી થઈ હતી. તે બાબતના કારણે તા.ર૦ના દુકાને બોલાચાલી થઈ હતી, આથી જસ્મીનની છરીના ઘાઝીંકી હત્યા કરી હતી તેમજ પોતાની પર પણ છરીના ઘા ઝીંકી દીધા હતા અને પોલીસ અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે છરીથી જસ્મીન બેચરાની હત્યા કરી તે શીલથી લઈ આવ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે શીલના દુકાનદાર તેમજ માણાવદરની જે દુકાનમાં હત્યા થઈ તેની આસપાસના લોકોનાં નિવેદનો લઈ આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી છે.


