ગુગળી બ્રહ્મસમાજ દ્વારા હેમાદ્રી સંકલ્પ સાથે પવિત્ર ગોમતી નદીમાં દેહશુદ્ધિ બાદ સમૂહ યજ્ઞોપવિત ધારણ કર્યા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૮
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રીકો સાથે સંકળાયેલાં ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જૂની પરંપરા અનુસાર આજરોજ શ્રાવણી પૂણિર્મા પર્વે સવારે બ્રાહમણો દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી નદીના ઘાટ પર દેહશુદ્ધિની વિધિ કરવામાં આવી હતી જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહી હેમાદ્રી સંકલ્પ કરી દશાવિધિ સ્નાનની વિધિ કરવામાં આવી હતી. આ સાથે બ્રાહમણો દ્વારા ગાયત્રી મંત્રના જાપ પણ કરવામાં આવ્યા હતા. દેહશુદ્ધિ વિધિ સાથે સાથે ઋષિ પૂજન, ઋષિ તર્પણ, ગ્રહ નક્ષત્ર ઋતુ અને માસ તર્પણની વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મધ્યાહન સમયે જગતમંદિરમાં ઠાકોરજીના યજ્ઞોપવિત ધારણ વિધિ બાદ બપોરે ગુગળી બ્રહમપુરી નં.૧ ખાતે અંદાજિત બે હજાર જેટલા જ્ઞાતિબંધુ પુરૂષો એક જ જગ્યાએ સમૂહમાં ધામિર્ક વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. ગુગળી બ્રહમસમાજની સદીઓ જૂની આ સમૂહ યજ્ઞોપવિત ધારણની પરંપરા આજે પણ યથાવત રીતે જળવાઈ રહી હોય જેમાં દરેક જ્ઞાતિબંધુ હોંશભેર જોડાયા હતા.


