મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માપૂર્ણ સ્વાગત, ગુજરાતમાં મોટા મૂડીરોકાણની આશા
અમેરિકા-કેનેડા પ્રવાસ બાદ મુખ્યમંત્રી ગુજરાત પરત ફર્યા, સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ અને GIFT સિટી માટે રોકાણકારો સાથે સફળ બેઠકો
ગાંધીનગર તા.27
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ કરીને અમદાવાદ પધાર્યા ત્યારે એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ એરપોર્ટ પર મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે એવો અમારો પ્રયત્ન રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પરનો વિશ્વાસ અમને આ પ્રવાસમાં જોવા મળ્યો છે. વડાપ્રધાન પરના સંપૂર્ણ વિશ્વાસને કારણે લોકો દરેક સેક્ટરમાં વધારે મૂડીરોકાણ કરવા ઇચ્છે છે. ભારતમાં આવનાર રોકાણ ગુજરાતમાં આવે એના માટેનો અમારો આ પ્રયાસ હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ વગેરે ક્ષેત્રો ઉપરાંત GIFT સિટી માટે ફાઇનાન્સિયલ ક્ષેત્રની મોટી મોટી કંપનીઓ સાથેની બેઠકો ખૂબ સારી રહી છે અને તે લોકો ગુજરાતમાં રોકાણ માટે ઉત્સુક છે.
મુખ્યમંત્રીએ અમેરિકા અને કેનેડાના પ્રવાસને ફળદાયી બની રહેશે એવા વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખૂબ સારું મૂડીરોકાણ આવશે.
વૈશ્વિક રોકાણકારો અને ઇનોવેટર્સને આગામી 10મી–12મી જાન્યુઆરી, 2027ના રોજ વડાપ્રધાનની પ્રેરણાથી યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ, કોલબોરેશન અને પાર્ટનરશીપ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે અમેરિકા અને કેનેડાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
આ પ્રતિનિધિ મંડળે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડી.સી. અને ન્યૂયોર્કમાં રોકાણકારો, ટેક્નોલોજી અગ્રણીઓ અને યુવા ઉદ્યોગસાહસિકો તથા ઈનોવેટર્સ તેમજ ગુજરાતી ડાયસ્પોરા સાથે મુલાકાતો કરી હતી.
મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ પણ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં સહભાગી બન્યું હતું.
મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેનું આ પ્રતિનિધિ મંડળ વિદેશ પ્રવાસ સફળતા પૂર્વક પૂરો કરીને ગુજરાત પરત આવ્યુ ત્યારે તેને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડેક્સ-બીના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપત, અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને આવકાર્યા હતા અને સફળ પ્રવાસ બદલ શુભકામનાઓ પાઠવી હતી.


