ગિરનાર લીલી પરિક્રમામાં ST બસે 3.45 લાખથી વધુ ભાવિકોને પહોંચાડ્યા સુરક્ષિત, ₹2.65 કરોડની આવક નોંધાઈ

8,187 ટ્રીપ અને 1,294 વાહનોનું સંચાલન; એક પણ અકસ્માત, બ્રેકડાઉન કે મુસાફરોની ફરિયાદ નોંધાઈ નહીં, ડિજિટલ બુકિંગને પણ સારો પ્રતિસાદ

ગિરનાર લીલી પરિક્રમામાં ST બસે 3.45 લાખથી વધુ ભાવિકોને પહોંચાડ્યા સુરક્ષિત, ₹2.65 કરોડની આવક નોંધાઈ

જૂનાગઢ તા.25
જૂનાગઢમાં યોજાયેલી ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન લાખો ભાવિકોની અવરજવર સરળ બનાવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જૂનાગઢ વિભાગ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી તેમજ રાજ્યના વિવિધ શહેરો અને વિસ્તારોમાંથી વધારાની બસો દોડાવવામાં આવી હતી. આ વ્યવસ્થા અંતર્ગત કુલ 3,45,571 મુસાફરોએ એસ.ટી. બસ સેવાનો લાભ લીધો હતો.
પરિક્રમા દરમિયાન એસ.ટી. વિભાગ દ્વારા કુલ 8,187 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં 1,294 વાહનોનો ઉપયોગ થયો હતો. આ પરિવહન સેવા થકી નિગમને અંદાજે ₹2.65 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર વચ્ચે પણ વિભાગે સલામતી અને વ્યવસ્થિત પરિવહન જાળવવા પર વિશેષ ધ્યાન આપ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન એક પણ અકસ્માત કે વાહનનું બ્રેકડાઉન નોંધાયું નહોતું. મુસાફરો તરફથી કોઈ ફરિયાદ પણ મળી ન હોવાનું વિભાગે જણાવ્યું છે.
આ વખતે ડિજિટલ ટિકિટ બુકિંગ અને પેમેન્ટ વ્યવસ્થાને પણ મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ઓનલાઈન અને મોબાઈલ બુકિંગ તેમજ QR કોડ મારફતે કુલ 57,597 સીટનું બુકિંગ કરવામાં આવ્યું હતું. ડિજિટલ પેમેન્ટના માધ્યમથી નિગમને ₹1,28,41,770ની આવક થઈ હતી. આ વ્યવસ્થાથી મુસાફરોને ટિકિટ મેળવવામાં સરળતા રહી હતી અને રોકડ વ્યવહાર પરની નિર્ભરતા પણ ઘટી હતી.
મુસાફરોને વધુ સારી સુવિધા મળે તે માટે બસો અને બસ સ્ટેશનોમાં 24 કલાક સ્વચ્છતા જાળવવામાં આવી હતી. પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા સાથે ભાવિકોને પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણીના ભાગરૂપે ઇકો-ફ્રેન્ડલી બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બસ કે બસ સ્ટેશનમાં મુસાફરોની રહી ગયેલી વસ્તુઓ તેમને પરત સોંપીને કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મુસાફરોની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ ગ્રુપ માટે વિશેષ બસોની પણ ફાળવણી કરવામાં આવી હતી. પરિક્રમાના સમગ્ર સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા અને સલામતીને પ્રાધાન્ય આપીને પરિવહન વ્યવસ્થા સંચાલિત કરવામાં આવી હતી. ગિરનાર લીલી પરિક્રમા-2026ના સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામ મુસાફરો અને નાગરિકોનો જૂનાગઢ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક વી.બી. ડાંગરે આભાર વ્યક્ત કર્યો હતો.